Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ટ્રેનની બર્થ અને સામાન માથા ઉપર પડતા મહિલાનું મોતઃ મળશે રૂ. ૪.૪૪ લાખનું વળતર

કન્ઝયુમર કોર્ટનો આદેશઃ ૯ વર્ષ પહેલા ટ્રેને અચાનક બ્રેક મારતા માથા પર પડયો હતો સામાન-બર્થ : મૃતક મહિલાના પરિવારે ૬.પ૦ લાખનો દાવો કર્યો હતો

અમદાવાદ તા. ૧૩ :.. રેલ્વેની મુસાફરી દરમ્યાન એક ૩પ વર્ષની મહિલા પર સીટ અને સામાન પડવાને કારણે થયેલા મોતના મામલામાં પીડિત પરિવારને વળતર મળશે. કન્ઝયુમર કોર્ટે ભારતીય રેલ્વે ને આદેશ આપ્યો છે કે તે મૃતકના પરિવારને રૂ. ૪.૪૪ લાખનું વળતર આપે.

ગુજરાતના ઉપભોકતા વિવાદ નિવારણ પંચે ર૦૧૧ માં હિંમતનગરની એક ગ્રાહક અદાલતના ૧.૯ર લાખના વળતરને વધારીને ૪.૪૪ લાખ રૂપિયા કરી દીધું છે. મળતી માહિતી અનુસાર સા. કાંઠાના દોહાદના સવિતાબેન ર૦૦૯ માં પરિવાર સાથે ખંડબ્રહ્મ-તલોદ ટ્રેનમાં જતા હતાં. ટ્રેનમાં અચાનક બ્રેક લાગવાથી હિંમતનગર સ્ટેશન ખાતે તેમના પર ઉપરની બર્થ અને તેના પર રાખવામાં આવેલ સામાન તેમના માથા પર પડયો હતો તે પછી તેમને હોસ્પીટલ લઇ જવાયા હતાં. પણ ત્યાં તેમનું મોત નીપજયું હતું.

સવિતાબેનના પતિ અને તેમના ૭ બાળકોએ રેલ્વે પર ૬.પ લાખનો વળતરનો કેસ કર્યો હતો. ફોરમે ર૦૧૧ માં ૬ ટકા વ્યાજ સાથે ૧.૯ર લાખનું વળતર આપવા હુકમ કર્યો હતો પણ પરિવાર તૈયાર નહોતો. મામલો સ્ટેટ કન્ઝયુમર કોર્ટમાં પહોંચ્યો તો કોર્ટે ૩૦૦૦ રૂ. મહિલાની માસિક આવક ગણી ૩.૮૪ લાખનું વળતર નકકી કર્યુ. આ સિવાય સવિતાબેનના બાળકોના પ્રેમ - સ્નેહના નુકસાનના બદલામાં ૩૦,૦૦૦ રૂ., અંતિમ સંસ્કારના ૧પ૦૦૦ તથા ઉત્પીડન તથા કાનુની ખર્ચના રૂ. ૧૦,૦૦૦ નું વળતર આપવા આદેશ કર્યો હતો.

(11:09 am IST)