Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

'શાહ' શબ્દ પર્સિયન છે, અમિત શાહ કયારે તેમની 'શાહ' અટક બદલશે?

ઔવેસીએ એક મુલાકાતમાં કહ્યું કે, શાહ એ પર્શિયન શબ્દ છે : આપણે રાહ જોઇએ કે ભાજપ તેના રાષ્ટ્રીય પ્રમુખની અટક કયારે બદલે છે

નવી દિલ્હી તા. ૧૩ : ભારતીય જનતા પાર્ટી ગેમ ચેન્જરમાંથી હવે નેમ ચેન્જર બની ગઇ છે અને લોકસભાની ચૂંટણી પહેલા હિંદુ-મુસ્લિમ રાગ આલાપતા ભાજપ શાષિત રાજયોમાં શહેરનાં નામ બદલવાની શરૂઆત કરી છે. ઉત્તર પ્રદેશની સરકારે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું, ફૈઝાબાદનું નામ બદલીને શ્રી અયોધ્યા કર્યુ અને હવે માંગ ઉઠી છે કે. અમદાવાદ, ઔરંગાબાદ અને હૈદરાબાદ તથા આગ્રાના નામ પણ બદલો.

ભાજપની આ ચાલ સામે વિવિધ લોકોએ સવાલો ઉઠાવ્યા છે અને કટાક્ષ પણ કર્યો છે. પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા અસાઉદ્દીન ઔવેસીએ ભાજપને ટોણો મારતા પુછયુ કે, દેશનાં અનેક શહેરોનાં નામ વિદેશી જેવા છે એટલા માટે તેમની નામ બદલવામાં આવે છે, તો ભાજપનાં પ્રમુખ અમિત શાહની અટક શાહ પણ પર્શિયન એટલે કે વિદેશી છે. શું ભાજપ અમિત શાહની અટક બદલશે ?

ઔવેસીએ એક મીડિયા મુલાકાતમાં કહ્યું કે, શાહ એ પર્શિયન શબ્દ છે. આપણે રાહ જોઇએ કે, ભાજપ તેના રાષ્ટ્રિય પ્રમુખની અટક કયારે બદલે છે.

ગુજરાતમાં પણ ભાજપ સરકાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવા વિચારી રહી છે અને આ માટે મુખ્યમંત્રી સહિતનાં આગેવાનો નિવેદનો આપી રહ્યા છે. લોકસભાની ચૂંટણી આવતા આ મુદ્દાઓ જોર પકડી રહ્યાં છે.

આ પહેલા ઇતિહાસકાર ઇરફાન હબીબે પણ કહ્યું કે, ભાજપનાં પ્રમુખ અમિત શાહે તેમની અટક (શાહ) બદલી નાંખવી જોઇએ. કેમ કે, શાહ એ પર્શિયન શબ્દ છે. શાહ એ સંસ્કૃત શબ્દ નથી. જો, ભાજપ શહેરોનાં નામ બદલવાની શરુઆત કરે છે, તો તેણે સૌથી પહેલા પોતાના નામ બદલવાથી શરૂઆત કરવી જોઇએ.

આ પહેલા, ભાજપની આ નીતિ સામે ભાજપનાં સાથી પક્ષોએ જ સવાલ ઉઠાવ્યા છે. ભાજપનાં સાથી પક્ષનાં નેતા ઓમ પ્રકાશ રાજભર ઉત્ત્।ર પ્રદેશની યોગી સરકારમાં મંત્રી છે. તેમણે પત્રકારોને આપેલા એક ઇન્ટરવ્યુંમાં ભાજપની આ નામ બદલવાની નીતિની આકરી ટિકા કરી હતી અને તેમણે એટલે સુંધી કહ્યું કે, શું ભાજપ હવે તેના મુસ્લિમ મંત્રીઓનાં નામ પણ બદલશે ?

રાજભારે કહ્યું કે, 'ભાજપે મુગલસરાઇ અને ફૈઝાબાદનું નામ બદલી નાંખ્યું છે. ભાજપ એવું કહે છે કે, આ તમામનાં નામ મુઘલોએ આપ્યા હતા. ભાજપનાં રાષ્ટ્રિય પ્રવકતા શાહનવાઝ હુસેન છે, કેન્દ્રિયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી છે. ઉત્તરપ્રદેશમાં મોહસિન રઝા છે. આ ત્રણેય મુસ્લિમ મંત્રીઓનાં નામ પહેલા બદલી નાંખો.'

'આ બીજુ કશુ નથી પણ મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની વાત છે. કચડાયેલા લોકો અને સમાજનાં વંચિત લોકો જયારે સરકાર સામે અવાજ ઉઠાવે છે ત્યારે આ પ્રકારનાં મુદ્દાઓને આળગ કરવામાં આવે છે. મુસ્લિમોનાં પ્રદાનને કેવી રીતે અવગણી શકશો ? લાલ કિલ્લો કોણે બનાવ્યો ? તાજમહેલ કોણે બનાવ્યો ?' રાજભારે ભાજપને પ્રશ્ન કરતા કહ્યું.

(10:44 am IST)