Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ગંગાનો પરંપરાગત રસ્તો, નેચર, કલ્ચરનું કેન્દ્ર બનશે

વારાણસીમાં ૨૪૦૦ કરોડની યોજનાની ભેંટઃ વારાણસીમાંથી સાંસદ ચુંટાઈ આવ્યા બાદ મોદીએ દેશના પ્રથમ મલ્ટીમોડલ ટર્મિનલનું લોકાર્પણ કર્યું : સભા સંબોધી

વારાણસી, તા. ૧૨ : વારાણસીને આશરે ૨૪૦૦ કરોડ રૂપિયાની યોજનાઓની દિવાળી ભેંટ આપવા માટે પહોંચેલા મોદીએ અહીં વાજિદપુર ગામમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. વારાણસીમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મોદીએ અહીં દેશના પ્રથમ મલ્ટીમોડલ ટર્મિનલને દેશને સમર્પિત કર્યું હતું. ત્યારબાદ હરહુઆના વાજિદપુર ગામમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. મોદીએ કહ્યું હતું કે, વારાણસીમાં જે ટર્મિનલની શરૂઆત થઈ છે તેની શરૂઆતથી ગંગાના પરંપરાગત રસ્તા આધુનિક સુવિધાની સાથે સાથે નેચર, કલ્ચર અને એડવેન્ચરનું કેન્દ્ર બની જશે. સભામાં મોદીએ વારાણસીના લોકોને સંબોધતા કહ્યું હતું કે, વારાણસી અને દેશ આ બાબતના સાક્ષી છે કે, સંકલ્પ લઇને જ્યારે પણ કોઇ કામ કરવામાં આવે છે ત્યારે તેનું ચિત્ર કેટલું ભવ્ય રહે છે. મોદીએ કહ્યું હતું કે, અહીં બાબતપુર વિમાની મથકથી શહેરને જોડનાર યોજના માં ગંગાને પ્રદૂષણથી મુક્ત કરનાર યોજના સહિત અઢી હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ થયું છે. આ તમામ યોજનાઓ વારાણસીને વધુ ભવ્ય બનાવશે. સ્વતંત્રતા બાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે અમે પોતાની નદીઓના માર્ગને આટલા વ્યાપક સ્તર પર પ્રયોગ સાબિત કરવામાં સફળ થઇ રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા જ્યારે આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન વેળા ટિકાઓ થઇ હતી તેનો જવાબ હવે મળી ગયો છે. મોદીએ કહ્યું હતું કે જે જહાજ મારફતે કન્ટેઇનર અનલોબિંગનું કામ વારાણસીમાં શરૂ થયું છે તે પોતાની સાથે ઘણી કોમર્શિયલ ચીજો લઇને પહોંચ્યું છે. વારાણસીથી ખાતર લઇને આ જહાજ કોલકાતા જશે. તેમણે કહ્યું હતું કે, વારાણસી સહિત સમગ્ર પૂર્વીય ઉત્તરપ્રદેશથી તમામ ચીજો પૂર્વીય ભારતના બંદર સુધી પહોંચશે. દેશે જે સપનું જોયું છે તે આજે વારાણસીમાં પૂર્ણ થયા છે.

વારાણસીમાં જે માલવાહક જહાજમાં ચીજવસ્તુઓ આવી છે તે ચીજવસ્તુઓ માર્ગ મારફતે લાવવામાં ૧૬ ટ્રકની જરૂર પડી હોત. મોદીએ કહ્યું હતું કે, દેશમાં આજે ૧૦૦થી વધારે નેશનલ વોટર હાઈવે પર કામ ચાલી રહ્યું છે. વારાણસીથી હલ્દીયા વચ્ચે વોટર વે આના હિસ્સા તરીકે છે. તેના તમામ સ્ટેશનો ઉપર સુવિધાઓને વિકસિત કરવાનું કામ ચાલી રહ્યું છે. જે જળમાર્ગ માત્ર વેપાર માટે જ નહીં બલ્કે પ્રવાસ સહિતના તમામ વિકાસના દ્વાર ખોલી દેશે. બાબતપુરથી વારાણસી શહેરને જોડનાર માર્ગ વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દાખલા તરીકે છે. લોકો હવે આ માર્ગ ઉપર દૂર દૂરથી સેલ્ફી લેતા પહોંચે છે. જે લોકો બીજા શહેરથી વારાણસી પહોંચી રહ્યા છે તેમને વિશ્વાસ થઇ રહ્યો નથી કે, તેઓ એજ શિવપુર-તરના માર્ગથી વારાણસી પહોંચી રહ્યા છે.

મોદી ૧૫મી વખત વારાણસીમાં ગંગાના રસ્તે માલવાહક જહાજ વારાણસીમાં....

 વડાપ્રધાન બન્યા બાદ પોતાના સંસદીય ક્ષેત્રમાં મોદી ૧૫મી વખત પહોંચ્યા હતા. અહીં મોદીએ વારાણસી-હલ્દીયા નેશનલ વોટર વે-૧ પર બનેલા દેશના મલ્ટીમોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ રહ્યા હતા. મોદીએ માલવાહક જહાજ ટાગોરથી કન્ટેઇનર અનલોડિંગ કરવાની શરૂઆત કરી હતી. ૨૦૬ કરોડ રૂપિયાના ખર્ચ સાથે મલ્ટીમોડલ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટર્મિનલ પર ચીજવસ્તુઓના લોડિંગ અને અનલોડિંગ માટે અતિઆધુનિક હેવી ક્રેઇન મુકવામાં આવી છે. જર્મનીમાંથી તૈયાર થયેલી મોબાઇલ હાર્બર ક્રેઇનની કિંમત ૨૮ કરોડ રૂપિયા છે. દક્ષિણ એશિયાના કારોબારમાં ચીનને ટક્કર આપવા માટે ભારત હવે તૈયાર છે.

(12:00 am IST)