Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ઝારખંડના ચાકુલિયાના પોછપાની ગામના બાળકો સ્કુલ બેગ સાથે તીરકામઠા પણ લઇ જાય છે

તમારા બાળકો સ્કૂલે જતી વખતે દફતર અને પાણીની બોટલ સાથે લઈને જતા હશે ને? પરંતુ ઝારખંડના ચાકુલિયાના પોછપાની ગામના બાળકો દફતર અને પાણી સાથે તીરકામઠું પણ લઈને જાય છે. એવું કેમ? હકીકતે મામલો ગંભીર છે. આ માસૂમો પોતાના જીવનું રક્ષણ કરવા માટે તીરકામઠાં સાથે રાખે છે. નક્સલિઓથી બચવા માટે તીરકામઠા લઈને જાય છે.

પોછપાની ગામના બાળકોની સ્કૂલ જંગલની બીજી બાજુ છે. એટલે તેમણે સ્કૂલે પહોંચવા માટે જંગલમાં થઈને પસાર થવું પડે છે. રિપોર્ટ પ્રમાણે, જંગલ નક્સલીઓના તાબા હેઠળ છે. માટે બાળકોને સુરક્ષા માટે તીરકામઠા સાથે રાખવા પડે છે. જરા પણ અવાજ ન થાય તે માટે બાળકો બિલ્લી પગલે ત્યાંથી પસાર થઈ જાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, નક્સલ પ્રભાવિત આ વિસ્તારમાં બાળકો ભણવા માટે પોતાની જિંદગી જોખમમાં મૂકે છે. ગામ લોકોનું કહેવું છે કે, બાળકોને ભણવા માટે જંગલ પાર કરવું પડે છે અને ઘણી ભયભીત કરતી ઘટનાઓ ઘટી ચૂકી છે. એટલે સાવધાની રાખવી જરૂરી છે. તો નક્સલીઓના ડરના કારણે કેટલાક મા-બાપે પોતાના બાળકોનું ભણતર છોડાવી દીધું છે.

(9:49 am IST)