Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

વૈશ્વિક મંદીની દહેશત વચ્ચે હાલ શેરબજારમાં મંદી રહેવાના સંકેત

યુએસ-ચીનના ટ્રેડને લઇને અનિશ્ચિતતાની પણ બજાર પર અસર રહેશે : માઇક્રો ઇકોનોમિક ડેટા, કમાણીના આંકડા, આરબીઆઈ મિટિંગના પરિણામ અને બજેટ કવાયતને લઇને શેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતિ રહેવાના સંકેત

મુંબઈ, તા. ૧૩ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધવિરામ, વૈશ્વિક મંદી, માઇક્રો ડેટા, ત્રિમાસિક ગાળાના પરિણામો સહિતના પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. વૈશ્વિક મંદીની દહેશત અને ટ્રેડવોરને લઇને અનિશ્ચિતતા વચ્ચે શેરબજારમાં હાલ મંદી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. તહેવારની સિઝનમાં દલાલસ્ટ્રીટમાં માહોલ મિશ્ર જોવા મળી શકે છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સ્થાનિક ઇક્વિટીમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંને ક્રમશઃ ૩૮૧૦૦ અને ૧૧૩૦૦ની સપાટી પર રહ્યા હતા. ટીસીએસ, ઇન્ફોસીસ દ્વારા તેમના ત્રિમાસિક ગાળાના પરિણામો અપેક્ષા મુજબ જ રાખ્યા હતા. આવી સ્થિતિમાં બજારમાં ઉલ્લેખનીય સ્થિતિ રહી હતી.

             બીજી બાજુ કેટલીક મહત્વપૂર્ણ કંપનીઓ તેમના આંકડા જારી કરનાર છે જેમાં એચયુએલ, એસીસી, અંબુજા સિમેન્ટ, વિપ્રો, એલએન્ડટી ફાઈનાન્સ, ટીવીએસ મોટરનો સમાવેશ થાય છે. આવી જ રીતે ડેલ્ટા કોર્પ, જીટીપીએલ, કર્ણાટકા બેંક, એસબીઆઈ લાઇફ, આદિત્ય બિરલાના પરિણામો પણ જાહેર થનાર છે. અન્ય જે પરિબળ છે જેમાં આરબીઆઈની એનસીપીની બેઠકના પરિણામોની અસર રહેશે.  પહેલીથી ચોથી ઓક્ટોબર દરમિયાન આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક યોજાઈ હતી. ભારતીય રિઝર્વ બેંકે ચોથી ઓક્ટોબરે નાણાંકીય વર્ષની તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપો રેટ હવે ઘટીને ૫.૧૫ ટકા થઇ ગયો છે. રેટ ઘટી જતા લોન પણ હવે સસ્તી થઇ રહી છે. જેથી સામાન્ય લોકોને રાહત મળનાર છે. આવી જ રીતે રિવર્સ રેપો રેટને ઘટાડીને ૪.૯ ટકા કરવામાં આવ્યો છે.

          છ સભ્યોની કમિટી દ્વારા નાણાંકીય વર્ષ માટે જીડીપી ટાર્ગેટ સુધારીને અગાઉના ૬.૯ ટકાની સરખામણીમાં ૬.૧ ટકા કર્યો છે. તમામ અર્થશાસ્ત્રીઓ પહેલાથી જ કાપની અપેક્ષા રાખી રહ્યા હતા.  વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિનાના પ્રથમ બે સપ્તાહના ગાળામાં જ ભારતીય મૂડી માર્કેટમાંથી ૬૨૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક મંદીની દહેશત અને ટ્રેડવોરને લઇને ચિંતાની સીધી અસર જોવા મળી રહી છે. પહેલીથી ૧૧મી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૪૯૫૫.૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૨૬૧.૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ પાછી ખેંચી લેવાયેલી રકમનો આંકડો ૬૨૧૭.૧ કરોડનો રહ્યો છે. બીજી બાજુ ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૮ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૮૦૯૪૩ રૂપિયાનો વધારો થયો છે. આ સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ટીસીએસ અને આઈટીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. રિલાયન્સની માર્કેટ મૂડી સૌથી વધુ વધીને નવી ઉંચી સપાટી ઉપર પહોંચી છે.

(7:59 pm IST)