Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

હરિયાણામાં સંકલ્પ પત્રમાં ખેડૂતો, યુવાઓ ઉપર ધ્યાન

મહિલાઓ ઉપર પણ ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું :જેપી નડ્ડા- મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં ઘોષણાપત્ર જારી થયું : ૨૨ જિલ્લામાં આધુનિક હોસ્પિટલોનું નિર્માણ

ચંદીગઢ, તા. ૧૩ : હરિયાણા વિધાનસભા ચૂંટણી મારફતે બીજી વખત સત્તામાં આવવા માટેના પ્રયાસમાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ આજે ઘોષણાપત્ર સંકલ્પપત્ર જારી કર્યો હતો. ભાજપના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા આ ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો હતો. સંકલ્પપત્ર મ્હારે સપનો કા હરિયાણા મારફતે ભાજપે તમામ વર્ગોને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા છે. સંકલ્પપત્રમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. હરિયાણામાં સત્તા મેળવવા માટે કોંગ્રેસ પાર્ટીએ પણ તમામ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસે હાલમાં જ સંકલ્પપત્ર જારી કર્યો હતો. ખટ્ટરે કહ્યું હતું કે, હવે પરીક્ષાનો સમય આવી ગયો છે. બીજી બાજુ નડ્ડાએ કહ્યું હતું કે, ખુબ અભ્યાસ કર્યા બાદ સંકલ્પપત્ર તૈયાર કરાયો છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં મનોહરલાલ ખટ્ટર સરકારે હરિયાણાની છાપને મજબૂત કરી છે. હરિયાણાની રાજકીય સંસ્કૃતિ બદલાઈ ગઈ છે.  આજે હરિયાણા ભ્રષ્ટાચારમુક્ત, વિકાસયુક્ત અને પારદર્શી સરકાર આપવામાં સફળ રહી છે. નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ભાજપની જેમ જ ઘોષણાપત્રનું નામ સંકલ્પપત્ર રાખ્યું છે પરંતુ તેમને ખબર નથી કે, નામ બદલી દેવાથી સરકાર આવતી નથી બલ્કે વિકાસના કામ કરવાથી સરકાર આવે છે. મોદીએ રેવાડીમાં કહ્યું હતું કે, વન રેંક વન પેન્શનની માંગને પૂર્ણ કરવામાં આવશે. તેઓ પૂર્ણ અધિકાર સાથે કહી શકે છે કે, ૧૨૦૦૦ કરોડ રૂપિયા વન રેંક વન પેન્શન માટે જારી રહી ચુક્યા છે.

       ૨૨ લાખ મામલાઓને સાંભળવામાં આવ્યા છે. વન રેંક વન પેન્શનના કોઇપણ કેસ હવે પેન્ડિંગ નથી. આગામી પાંચ વર્ષમાં અમારી સરકાર ગામડાઓ, ખેડૂતો, ગરીબો, વંચિતો અને શોષિતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સબકા સાથ સબકા વિકાસની નીતિ ઉપર સરકાર પહેલાથી જ ચાલી રહી છે. હવે પરીક્ષાનો સમય આવ્યો છે. જનતા પરિણામ આપવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રમાં ઘોષણાપત્રને લઇને હાલ કોઇ વાત કરવામાં આવી નથી. નડ્ડા અને ખટ્ટરે કોંગ્રેસ પાર્ટી ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ ઘોષણાપત્ર જારી કરી ચુકી છે. મહારાષ્ટ્રની ચૂંટણી એકબાજુ મજબૂતરીતે દેખાઈ રહી છે જ્યારે હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી પ્રમાણમાં મજબૂત દેખાઈ રહી છે. મનોહરલાલ ખટ્ટર અનેક વખત વિવાદના ઘેરામાં પણ આવી ચુક્યા છે. તેમના નિવેદનના કારણે અનેક વખત તેમની ટિકા પણ થઇ છે જેથી સરકાર જાળવી રાખવાની બાબત તેમના મટે મુશ્કેલકમાન રહેશે.

સંકલ્પપત્રના મુદ્દા......

*    ખેડૂતોની આવક બે ગણી કરવાનું લક્ષ્ય

*    યુવા વિકાસ અને સ્વરોજગાર નામથી મંત્રાલય બનાવાશે

*    ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ૨૫ લાખ યુવાઓને ટ્રેનિંગ

*    તમામ ૨૨ જિલ્લાઓમાં આધુનિક હોસ્પિટલ બનશે

*    મહિલાઓની સુરક્ષા માટે દરેક ગામમાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ

*    અનુસૂચિત જાતિ સમુદાયથી આવનાર લોકોને ગેરન્ટી વગર ત્રણ લાખની લોન

*    ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધી વ્યાજ વગરની પાક લોન

*    વૃદ્ધાવસ્થા પેન્શન તરીકે ૩૦૦૦ રૂપિયા અપાશે

*    ૨૦૦૦ આરોગ્ય કેન્દ્રો ઉભા કરાશે

*    ૧૦૦૦ ખેલ નર્સરીનું નિર્માણ કરાશે

(7:56 pm IST)