Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મહારાષ્ટ્રમાં નવ જનસભા યોજવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુસજ્જ

૧૮મી ઓક્ટોબરે મુંબઈમાં મહારેલી યોજાશે : પ્રચાર દરમિયાન ફડનવીસની મોદીએ ભારે પ્રશંસા કરી

મુંબઈ, તા. ૧૩ : મહારાષ્ટ્રમાં ૨૧મી ઓક્ટોબરના દિવસે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે પોતાની પ્રથમ રેલીને સંબોધતા મોદીએ આજે વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા હતા. સાથે સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ભરપુર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ફડનવીસને તમામ લોકો તરફથી સન્માન મળી રહ્યું છે. તેમના પાંચ વર્ષના કામના કારણે લોકો તેમને પસંદ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર ભ્રષ્ટાચાર મુક્ત રહી છે અને તમામ લોકોની  અંદર આત્મવિશ્વાસને જગાવી રહી છે. વિધાનસભાની અગાઉની ચૂંટણી વેળા મતદારોએ ટ્રેલર બતાવ્યું હતું અને હવે સંપૂર્ણ ફિલ્મ બતાવવા માટે મતદારો તૈયારછે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો અને ઉદ્યોગો સહિત તમામ લોકોની અંદર ફડનવીસ સરકાર વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. દુનિયાભરમાં ભારતને સન્માન મળી રહ્યું છે જેમાં સામાન્ય લોકોનો જુસ્સો સામેલ છે.  મહારાષ્ટ્ર અને હરિયાણાની માતા-બહેનોને તેઓ અપીલ કરવા માંગે છે કે, લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીને મહિલાઓએ પુરુષોની બરોબરી કરી હતી પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં માતાઓ અને બહેનોએ આ વખતે આગળ નિકળી જવું જોઇએ. દેવેન્દ્ર ફડનવીસ બીજા એવા મુખ્યમંત્રી છે જે સમગ્ર ગાળા સુધી મુખ્યમંત્રી રહ્યા છે તે પહેલા કેટલાક મુખ્યમંત્રી બદલવામાં આવતા હતા. ભ્રષ્ટાચાર, સામાજિક સદ્ભાવ અને વિકાસની કામગીરી ઉલ્લેખનીય રહી છે. માર્ગોથી લઇને સિંચાઈ, ખેડૂતો અને કારોબારીઓ દરેક ક્ષેત્રમાં સરકાર કામ કરી રહી છે.

મોદી રાજ્યમાં ૧૩ અને ૧૮મી ઓક્ટોબર વચ્ચે ૯ જનસભા કરનાર છે. આજની સભા બાદ હવે ૧૬મી ઓક્ટોબરે અકોલા, પનવેલ અને પારતુરમાં, ૧૭મી ઓક્ટોબરે પુણે, સતારા અને પર્લીમાં રેલી કરનાર છે. મુંબઈમાં ૧૮મી ઓક્ટોબરના દિવસે મહારેલી યોજાશે.

(7:54 pm IST)