Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

પંજાબમાં ત્રાસવાદી ખતરાને લઇને સુરક્ષા વ્‍યવસ્‍થા વધુ સઘન બનાવી

નવી દિલ્‍હી : પંજાબમાં ત્રાસવાદી હુમલાઓનો ખતરો તોળાઈ રહ્યો છે. પઠાણકોટ અને ગુરદાસપુરમાં હાઈએલર્ટની જાહેરાત કરીને કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયા વધારે અસરકારક બનાવી દેવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. ભરચક રહેતા વિસ્તારોમાં વધારે સંખ્યામાં જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. એરબેઝ અને એરપોર્ટ પર ત્રાસવાદી હુમલાનો ખતરો વધારે રહેલો છે. ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી હથિયારો લાવવાના મામલે ઝડપાયેલા છ ત્રાસવાદીઓ સહિત નવ લોકોને વધુ તપાસ માટે એનઆઈએની ટીમ દિલ્હી લઈને પહોંચી છે. તપાસના ભાગરૂપે બોર્ડર સુધીના દરેક ઘર અને જંગલની તપાસ કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી અંતર્ગત બેડ રિઝર્વ કરાવી દેવામાં આવ્યા છે. પંજાબ પોલીસે હિમાચલ પોલીસ સાથે મળીને ડમટાલના જંગલોમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. છેલ્લા ચાર દિવસથી સતત ફિરોઝપુર બોર્ડર પર ડ્રોન દેખાવા અને ખેમકરણથી પકડાયેલા આતંકીઓના ખુલાસા પછી સમગ્ર પંજાબને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. પઠાણકોટ એરબેઝ અને અમૃતસર એરપોર્ટ પર આતંકી હુમલાના ઈનપુટ મળ્યા પછી આ જિલ્લામાં બટાલિયનને હથિયાર, બુલેટ પ્રૂફ જેકેટ અને ડ્રેગન લાઈટ્‌સની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે ડીજીપી પંજાબ દિનકર ગુપ્તાએ ઓપરેશનને નિયમિત ગણાવીને આતંકી હુમલાના જોખમનો ઈનકાર કર્યો છે.

મોટી સંખ્યામાં પોલીસ બળ તહેનાત અને આતંકી ઈનપુટ મળ્યાની ખબર પછી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ડ્રોન દ્વારા પાકિસ્તાનથી હથિયાર લાવવાના મામલે શંકાસ્પદ ૯ આતંકીઓમાંથી ૪ આતંકીઓને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈ) તપાસ માટે દિલ્હી લઈ ગઈ છે. મોહાલી કોર્ટે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર (કેજેડએફ)ના આંતકી માનસિંહ, બળવંત સિંહ, આકાશ દીપ અને શુભદીપને કોર્ટે એએનઆઈને પાસે પાંચ દિવસના રિમાન્ડ માટે મોકલી દીધા છે. કોર્ટે અન્ય પાંચ આતંકીઓ રોમનદીપ સિંહ રોબિન, સાજનપ્રીત, ગુરદેવ સિંહ, બલબીર સિંહ અને હરભજન સિંહને જ્યુડિશિયલ કસ્ટડીમાં અમૃતર સેન્ટ્રલ જેલ મોકલી દીધા છે.

ફિરોઝપુર બોર્ડર નજીક હુસૈનીવાલા ચેક પોસ્ટ પર ૭થી ૧૦ ઓક્ટોબર સુધી સતત ચાર દિવસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ત્યાર પછી સીમા પર એલર્ટ વધારી દેવામાં આવ્યું છે. આ પહેલાં પંજાબના પોલીસ પ્રમુખ દિનકર ગુપ્તાએ ૨૪ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ૯-૧૬ ડિસેમ્બર દરમિયાન ૮ ચીની ડ્રોન દ્વારા ૮૦ કિલો વિસ્ફોટક સામગ્રી પંજાબ અને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં મોટા બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

(2:06 pm IST)