Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કાશ્મીર : સઘન સુરક્ષા વચ્ચે સ્થાનિક ચૂંટણી માટે મતદાન

ત્રીજા તબક્કામાં શાંતિપૂર્ણ રીતે ઓછુ મતદાન : ત્રીજા તબક્કામાં ૯૬ વોર્ડ પર ૩૬૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ : ૧૬મીએ ચોથા દોરમાં મતદાન થશે

શ્રીનગર,તા.૧૩ : જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ યોજાઇ રહેલી સ્થાનિક ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે  શાંતપૂર્ણ રીતે મતદાન થયુ હતુ. જો કે ધારણા પ્રમાણે જ ઓછુ મતદાન થયુ હતુ. બારામુલ્લામાં સૌથી ઉંચુ મતદાન  થયુ હતુ. જો કે અનંતનાગ, શ્રીનગરમાં ઓછુ મતદાન રહ્યુ હતુ. જમ્મુના સાંબા જિલ્લામાં મધ્યમથી ભારે મતદાન થયુ હતુ. ખીણના પુલવામાં અને બાંદીપોરામાં કેટલાક ઉમેદવાર બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા. કેટલાક વોર્ડમાં કોઇ ઉમેદવાર ઉભા રહ્યા ન હતા. સવારે મતદાન શરૂ થયા બાદ સાંજ સુધી સાંભા અને ખીણના શ્રીનગર, અનંતનાગ, બારામુલ્લા, પુલવામા અને બાંદીપોરામાં મતદાન થયું હતું. ત્રીજા તબક્કાના ૯૬ વોર્ડમાં ૩૬૫ ઉમેદવારો મેદાનમાં હતા. પ્રથમ તબક્કામાં આઠમીએ અને બીજા તબક્કામાં ૧૦મી ઓક્ટોબરે મતદાન થયું હતું. પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી ૪૭.૨ ટકા રહી હતી. શરૂઆતમાં જ કેટલીક જગ્યાએ લાંબી લાઇન જોવા મળી હતી. જ્યારે કેટલાક મથકો ખાલીખમ દેખાયા હતા. આ તબક્કામાં જે વિસ્તારમાં મતદાન થયું હતું તેમાં મોટા ભાગના અલગતાવાદીઓના પ્રભાવ હેઠળના હતા. કેટલાક વોર્ડ દક્ષિણ કાશ્મીરમાં હોવાના કારણે ઓછા મતદાનની શક્યતા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં વર્ષ ૧૯૮૯માં ત્રાસવાદની શરૂઆત થઇ હતી. બીજા તબક્કામાં ૧.૨૬ લાખ મતદારો વાળા જમ્મુમાં ૮૦ ટકા મતદાન થયુ હતુ. જ્યારે ૨.૨૦ લાખ મતદારો ધરાવનાર કાશ્મીરમાં ઓછુ મતદાન થયુ હતુ. અહીં માત્ર ૩.૪ ટકા મત પડ્યા હતા. બીજા તબક્કામાં ૩.૪૭ લાખ મતદારો હતા અને ૩૧.૩ ટકા મતદાન થયુ હતુ.  સેના અને અર્ધલશ્કરી દળના ૧૦ હજારથી પણ વધારે જવાનો સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ૯૬ વોર્ડોમાં  સ્થાનિક ચૂંટણી યોજાઇ હતી.

ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ સામાન્ય લોકો માટે મતદાન કરવા માટેનો સમય સાત વાગ્યાથી રાખવામાં આવ્યો હતો. સવારે સાત વાગે મતદાનની શરૂઆત થયા બાદ કેટલાક રાજકીય પક્ષોના બહિષ્કાર વચ્ચે મતદાન કરવા માટે લોકો આગળ આવ્યા હતા. સાંજે ચાર વાગે સુધી મતદાન ચાલ્યું હતું. કેટલાક વિસ્તારોમાં સેના અને કેન્દ્રિય દળોના વધારાના જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. વહીવટી તંત્રે ઉમેદવારોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા છે. ભયમુક્ત ચૂંટણી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ચૂંટણીનો બહિષ્કાર કરનાર હુરિયત કોન્ફરન્સના નેતા મીરવાઇઝ ઉમર ફારૂકને નજર કેદ  હેઠળ રાખવામાં આવ્યા છે.  હવે ચોથા તબબક્કામાં ૧૬મી ઓક્ટોબરના દિવસે ૧૩૨ વોર્ડમાં મતદાન થનાર છે.  ત્રાસવાદીઓ લોકોને સ્થાનિક ચૂંટણીથી દુર રહેવા માટે ધમકી આપી ચુક્યા છે. હુરિયતના લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આદેશ કર્યો છે. જો કે ધમકી છતા મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે.

સ્થાનિક ચૂંટણીનુ ચિત્ર...

        શ્રીનગર, તા. ૧૩ : જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ યોજાઇ રહેલી સ્થાનિક ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે શાંતપૂર્ણ રીતે મતદાન થયું હતું. શરૂઆતમાં જ કેટલીક જગ્યાએ લાંબી લાઇન જોવા મળી હતી.  ત્રીજા તબક્કામાં મતદાન ઓછું થયું છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા આશા કરવામાં આવી રહી છે. ચૂંટણીની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઇ છે જે ચૂંટણી પંચના કહેવા મુજબ ખુબ સારા સંકેત તરીકે છે. સ્થાનિક ચૂંટણી માટે હજુ સુધી બે તબક્કામાં  એકંદરે મતદાન થયુ છે જે નીચે મુજબ રહ્યુ છે.

પ્રથમ તબક્કામાં મતદાન થયુ ................. ૮.૩ ટકા

બીજા તબક્કામાં મતદાન થયુ................ ૩૧.૩ ટકા

(8:00 pm IST)