Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

પશ્ચિમ બંગાળમાં ભાજપનું 'નબન્ના અભિયાન' હિંસક બન્યુ: પોલીસકારમાં આગચંપી; ટિયરગેસ છોડાયો

સુવેન્દુ અધિકારી સિવાય, ભાજપના નેતા અને સાંસદ લોકેટ ચેટરજી અને પાર્ટીના નેતા રાહુલ સિન્હાની પણ અટકાયત

પશ્ચિમ બંગાળમાં ભાજપના ‘નબન્ના અભિયાન’એ હિંસક રૂપ લીધુ છે. મધ્ય કોલકાતાના બડા બજાર વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન પાસે પોલીસ કારમાં આગ લગાવી દેવામાં આવી હતી. ઘટનાસ્થળનો વીડિયો જોઇ શકાય છે કે લોકો લાકડી-દંડા સાથે આમ તેમ દોડી રહ્યા છે અને પથ્થરમારો કરી રહ્યા છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારીની માર્ચ દરમિયાન સંતરાગાછી જવાનો પ્રયાસ કરતા સમયે અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ કારમાં આગ લગાવવાની ઘટના બાદ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની એક ગાડી મોકલવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બડા બજાર શહેરના સૌથી વ્યસ્ત હોલસેલ બજારમાંથી એક છે અને ઘટનાસ્થળ સામે આવેલા વીડિયોથી ખબર પડે છે કે લગભગ તમામ દુકાન દિવસ દરમિયાન બંધ હતી. આ પહેલાના દિવસે ભાજપના કાર્યકર્તા અને સત્તા પર રહેલી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વિરૂદ્ધ એક વિરોધ માર્ચ દરમિયાન રાજ્ય પોલીસ સાથે અથડામણ થઇ હતી.

મમતા સરકારના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને અલગ કરવા માટે પોલીસે ટિયર ગેસ અને પાણીના મારાનો સહારો લીધો હતો. રાજ્યના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના પાનગઢ રેલ્વે સ્ટેશનથી રેલી કાઢી રહેલા ભાજપના ચાર કાર્યકર્તાની ધરપકડ પણ કરવામાં આવી હતી.

અધિકારી સિવાય, ભાજપના નેતા અને સાંસદ લોકેટ ચેટરજી અને પાર્ટીના નેતા રાહુલ સિન્હાની પણ અટકાયત કરવામાં આવી છે અને તેમણે એક જેલ વેનમાં લઇ જવામાં આવ્યા હતા, તેમણે સચિવાલય પાસે સેકન્ડ હુગલી બ્રિજ નજીક પોલીસ ટ્રેનિંગ સ્કૂલ સામે રોકવામાં આવ્યા હતા. રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ‘નબન્ના અભિયાન’માં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી ભાજપના સમર્થક કોલકાતા અને પાડોશી હાવડા પહોચવાના શરૂ થઇ ગયા હતા.

(7:20 pm IST)