Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ટ્રાફિકના દંડમાં રાહતના મામલે કેન્દ્ર-ગુજરાત સરકાર આમનેસામને

ગુજરાતે કેન્દ્ર દ્વારા નિર્ધારિત દંડની રકમમાં મોટી રાહત આપતા ઉભો થયો વિવાદઃ કેન્દ્રીય મંત્રાલયે કાનૂન મંત્રાલય પાસે સલાહ માગી કે શું રાજ્ય સરકાર કાનૂનમાં દંડની નિર્ધારિત સીમાને ઘટાડી શકે કે નહિ ? : ગુજરાત સરકારે નોનકમ્પાઉન્ડેબલ અપરાધમાં દખલ દઈ બંધારણની કલમ ૨૫૪નું ઉલ્લંઘન કર્યુ હોવાનો નિષ્ણાતોનો મતઃ ગુજરાતે કરેલા તમામ ફેરફારોને કોર્ટ મંજુરી નહિ આપે

નવી દિલ્હી, તા. ૧૩ :. ગુજરાત સરકાર દ્વારા ટ્રાફીકના નિયમોના ઉલ્લંઘન પર વધારવામાં આવેલા દંડમાં ભારે રાહત આપતા કેન્દ્ર અને રાજ્ય સરકાર આમનેસામને આવી ગયા છે. આ બાબતે માર્ગ અને હાઈવે મંત્રાલયે કાનૂન મંત્રાલય પાસે સલાહ માંગી છે કે શું રાજ્ય સરકારો કાનૂનમાં દંડની નિર્ધારીત સીમાને ઘટાડી શકે છે કે નહિ?

ગુજરાત અને ઉતરાખંડની ભાજપ સરકારોએ દંડની રકમ ઘટાડવાની જાહેરાત કરી છે જ્યારે યુપી સરકાર પણ દંડ ઘટાડવા વિચાર કરે છે તો બીજી તરફ મ.પ્રદેશ અને પ.બંગાળ જેવા વિપક્ષી રાજ્યોએ નવો કાયદો લાગુ કરવાનો ઈન્કાર કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ મંગળવારે દંડમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ટ્રાફીકના નિયમોના ઉલ્લંઘન પર દંડની રકમ ૧૦૦૦ રૂ.થી લઈને ૧૦૦૦૦ રૂ. સુધી ઘટાડવામાં આવી છે. સંશોધિત મોટર વાહન કાનૂન હેઠળ વધેલો દંડ સપ્ટેમ્બરથી અમલી બન્યો છે.

તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાત દ્વારા નિયમોના ઉલ્લંઘન પર વધારવામાં આવેલ દંડમાં રાહત આપવાની બાબતને બહુ મહત્વ આપ્યુ નથી અને કહ્યુ છે કે આ મામલો સમવર્તી યાદીનો છે અને તેમાં રાજ્ય પોતાના ફેંસલા લેવાને સ્વતંત્ર છે.

કાયદાની દ્રષ્ટિએ જોવામા આવે તો બંધારણની કલમ ૨૫૪ સમવર્તી યાદીમાં આવતા વિષયો પર કહે છે કે જો પ્રસ્તાવિત કાનૂન પર કેન્દ્ર અને રાજ્યમાં મતભેદો હોય તો કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલ કાનૂન માન્ય રહેશે.

સેવ લાઈફ ફાઉન્ડેશનના પિયુષ તિવારીએ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના આ મતભેદ પર કહ્યુ છે કે સંશોધિત કાનૂનની કલમ ૨૦૦માં રાજ્યને ૨૪ વિષયો પર દંડ નિર્ધારીત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને હાલ રાજ્ય તેમા બદલાવ કરી દંડની રકમને વ્યવહારૂ બનાવવા પ્રયાસ કરે છે પરંતુ ગુજરાત નોનકમ્પાઉન્ડેબલ અપરાધમાં દખલ દઈને બંધારણની કલમ ૨૫૪નો ભંગ કર્યો છે. ગુજરાત તરફથી કરવામાં આવેલ બધા ફેરફારોને કોર્ટ મંજુરી નહિ આપે.

તેમણે કહ્યુ હતુ કે ગુજરાતે મોટર વાહન કાનૂન ૧૯૮૮માં નિર્ધારીત દંડની રકમથી પણ વધુ ઘટાડો કર્યો છે. ગુજરાતે હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવા, ફોનના ઉપયોગ અને લાયસન્સ ન રાખવા પર ૫૦૦નો દંડ રાખ્યો છે. માર્ગ પર ખોટી લેનમાં ગાડી ચલાવી અને ખતરનાક રીતે ગાડી ચલાવવાનું નોનકમ્પાઉન્ડેબલ અપરાધની શ્રેણીમાં આવે છે. આવુ કરવા પર ૧૦૦૦થી ૫૦૦૦નો દંડ અને ૬ મહિનાથી એક વર્ષની જેલ થઈ શકે છે પરંતુ ગુજરાતે તેમા ફેરફાર કરી ૩ પૈડાના વાહન માટે દંડની રકમ ૧૫૦૦ રૂ., હળવા વાહનો માટે ૩૦૦૦ અને ભારે વાહનો માટે ૫૦૦૦ રાખેલ છે.

સંશોધિત મોટર વાહન કાનૂન પર આમને સામને આવેલ કેન્દ્ર અને રાજ્ય સરકાર કઈ રીતે મતભેદોનો અંત લાવશે તે આવનારો સમય કહેશે

(11:00 am IST)