Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સાધુ-સંતો તૈયાર કરી રહ્યા છે ‘હિન્‍દુ રાષ્‍ટ્ર'નું બંધારણ

ભારતને ‘હિન્‍દુ રાષ્‍ટ્ર' બનાવવાનું સપનું સાકાર કરવા ધાર્મિક નેતાઓએ કામકાજ શરૂ કર્યુઃ ૨૦૨૩ના ‘માદ્ય મેળા'માં યોજાનાર ધર્મસંસદમાં બંધારણનો અડધો દસ્‍તાવેજ રજુ થશે : ધર્મ સંસદમાં ભારતને ‘હિન્‍દુ રાષ્‍ટ્ર' બનાવવા ઠરાવ પસાર થશેઃ જેનુ અલગ હશે બંધારણઃ દેશનું પાટનગર દિલ્‍હી નહિ વારાણસી રહેશેઃ મુસ્‍લિમ- ખ્રિસ્‍તીઓને રહેવા મળશે મતાધિકાર નહિ મળેઃ ગુરૂકુળ શિક્ષણ અનિવાર્યઃ પ્રધાનમંડળઃ ચંદ્રગુપ્‍ત મૌર્ય જેવુ રહેશેઃ કૃષિ ટેક્ષ ફ્રીઃ ન્‍યાયપાલિકા ત્રેતા - દ્વાપરા યુગ આધારિત રહેશેઃ દરેક પરિવારને લશ્‍કરી તાલિમ ફરજીયાતઃ નાગરિકને ૧૬ વર્ષે મતાધિકારઃ બ્રિટીશરો વખતના કાયદા - કાનુન સમાપ્‍ત કરાશે

પ્રયાગરાજ, તા.૧૩: તપોસ્‍થળ તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કરી દીધુ છે. આ હિસાબથી હિંદુ રાષ્‍ટ્રનું પોતાનું બંધારણ હશે જેને ‘હિંદુ રાષ્‍ટ્ર બંધારણ' એવુ નામ અપાશે. અખિલ ભારતીય વિદ્વાન પરિષદના મહામંત્રી ડો.કામેશ્‍વર ઉપાધ્‍યાય બંધારણ ઘડતરના સંયોજક નિયુકત કરાયા છે. બંધારણ તૈયાર કરવા માટે કાયદાના જાણકાર, શાસ્‍ત્રોના જાણકાર અને સુરક્ષા નિષ્‍ણાંતોની ત્રણ સમિતિઓ બનશે. દરેક સમિતિમાં ઓછામાં ઓછા ૨૫ લોકો સામેલ હશે. તેમાં શીખ, બૌધ્‍ધ, જૈન સહિતના ૧૨૭ પંથોના પ્રતિનિધીઓ સામેલ કરાશે. શ્રાવણ મહિનાના અંત સુધીમાં ‘હિંદુ રાષ્‍ટ્ર બંધારણ'નો ડ્રાફટ તૈયાર કરવાનુ લક્ષ્ય છે. ૨૦૨૩ના માધ મેળામાં ધર્મ સંસદ સંચાલન સમિતિ સંત સંમેલનનું આયોજન કરીને તેમાં નવા બંધારણને સંતો અને શ્રધ્‍ધાળુઓ સમક્ષ રજૂ કરશે.

૨૯ જાન્‍યુઆરી ૨૦૨૨ના રોજ માધ મેળા વિસ્‍તારના બ્રહ્મર્ષી આશ્રમ શિબિરમાં ધર્મ સંસદ સંચાલન સમિતિએ સંત સંમેલન યોજયુ હતું. સંમેલનમાં ભારતને હિંદુ રાષ્‍ટ્ર લખવા અને બોલવાનો ઠરાવ પસાર થયો હતો. સમિતિના સંયોજક સ્‍વામી આનંદ સ્‍વરૂપે જણાવયુ કે સંસદની જગ્‍યાએ ‘ધર્મ સંસદ'ની ચુંટણી થશે. હિંદુ રાષ્‍ટ્રના બંધારણમાં વિધીવત ધર્મસાંસદોની ચુંટણીની લઘુતમ ઉંમર ૨૫ વર્ષ અને મતદારોની ઉંમર ૧૬ વર્ષ હશે. સંસદ ભવનની જેમ કાશીમાં ‘ધર્મસંસદ ભવન' બનશે. આના માટે શલટંકેશ્‍વરની પાસે ૪૮ એકર જમીન નક્કી કરાઇ છે.

‘હિંદુ રાષ્‍ટ્ર બંધારણ'માં ગીતા, શ્રી રામચરિત માનસ, મનુસ્‍મૃતિ સહિત બધા વેદ પુરાણના અંશો સામેલ હશે. ગુરૂકુળ શિક્ષણ ફરજીયાત હશે, ત્રણથી આઠ વર્ષના બાળક, બાલિકાઓએ ફરજીયાત ગુરૂકુળ શિક્ષણ લેવાનુ રહેશે. ત્‍યારપછી જ તેમને અન્‍ય વિદ્યાલયોમાં ભણવાની પરવાનગી મળશે.

સ્‍વામી આનંદ સ્‍વરૂપે જણાવ્‍યું કે હિંદુ રાષ્‍ટ્રનું પ્રધાનમંડળ ચંદ્રગુપ્‍ત મૌર્યની જેમ તૈયાર કરાશે. તેમાં સંરક્ષણ, શિક્ષણ, રાજકીય, આરોગ્‍ય વગેરે નવી વ્‍યવસ્‍થા હશે. મુસ્‍લીમોને પુરૂ સન્‍માન અને સુરક્ષા મળશે પણ મતદાનનો અધિકાર નહીં મળે.

હિંદુ રાષ્‍ટ્ર માટે જોરદાર અવાજ ઉઠાવનાર મહામંડલેશ્‍વર અન્‍નપૂર્ણા ભારતીએ કહ્યું કે ઈસ્‍લામી જેહાદ સામેની લડાઇ તેજ બનશે. અમને રોકવા માટે ભારત અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ષડયંત્રો રચાઇ છે પણ ા ચળવળ નહી રોકાય. હિંદુ રાષ્‍ટ્ર બનાવવા અને ઇસ્‍લામી જેહાદ ખતમ કરવા માટે અમે અંતિમ શ્‍વાસ સુધી લડીશું.

મુસ્‍લીમોને સન્‍માન સહિત પાછા મોકલાશે. મઠ - મંદિરોને સરકરી કબ્‍જામાંથી મુકત કરવાનું અભિયાન તેજ કરવામાં આવશે. વારાણસી ખાતેની શંકરાચાર્ય પરિષદના પ્રમુખ સ્‍વામી આનંદ સ્‍વરૂપે કહ્યું કે શંભવી પીઠેશ્‍વરની આગેવાની હેઠળ ૩૦ લોકોના ગ્રુપ દ્વારા આ બંધારણનો ડ્રાફટ તૈયાર થઇ રહ્યો છે. સ્‍વામી સ્‍વરૂપે વધુમાં કહ્યું, ‘આ બંધારણ ૭૫૦ પાનાનું હશે અને તેના ફોર્મેટ બાબતે અત્‍યારે ચર્ચાઓ ચાલી રહી છે. ધાર્મિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રના નિષ્‍ણાંતો સાથે થઇ રહેલ ચર્ચા અનુસાર અર્ધુ બંધારણ (લગભગ ૩૦૦ પાના) ૨૦૨૩ના માધા મેળામાં રીલીઝ કરવામાં આવશે.'

સ્‍વામી આનંદ સ્‍વરૂપે કહ્યું કે હિંદુ રાષ્‍ટ્રના બંધારણ અનુસાર, કાશી હિંદુ રાષ્‍ટ્રની રાજધાની બનશે અને ધર્મ સંસદ પણ કાશીમાં બનશે. બંધારણનો ડ્રાફટ તૈયાર કરનારાઓમાં સ્‍વામી આનંદ સ્‍વરૂપ, હિંદુ રાષ્‍ટ્ર નિર્માણ સમિતિના વડા કમલેશ્‍વર ઉપાધ્‍યાય, સુપ્રીમ કોર્ટના સીનીયર વકીલ બી એન રેડ્ડી, સંરક્ષણ નિષ્‍ણાંત આનંદ વર્ધન, સનાતન ધર્મના ચંદ્રમણી મિશ્રા તથા વિશ્‍વ હિંદુ ફેડરેશનના પ્રમુખ અજય સીંઘ સહિતના લોકો સામેલ છે.

(11:16 am IST)