Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

પૂર્વ રાષ્ટ્રપતિ- ભારત રત્ન પ્રણવદાની તબિયત નાજુક : હાલ કોમામાં: નિધનની અફવાને આપ્યો રદિયો

આર્મી હોસ્પિટલના ન્યૂઝ બુલેટીનમાં કહેવાયું- તેમને હજુ વેન્ટિલેટર પર રખાયા

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખરજીની તબિયત નાજૂક છે. તેઓ કોમામાં છે. આર્મી હોસ્પિટલના ન્યૂઝ બુલેટીનમાં કહેવાયું છે કે તેમને હજુ વેન્ટિલેટર પર રખાયા છે. જ્યારે સોશિયલ મીડિયા પર તેમના નિધન અંગેના ખોટા સમાચારોથી તેમનો પરિવાર નારાજ છે.

 પ્રણવ મુખરજી કોરોના વાઇરસથી સંક્રમિત જણાતા તેમને આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હેસ્પિટલમાં 10 ઓગસ્ટે દાખલ કરાયા હતા. બીજા દિવસે તેમના મગજમાં લોહીની ગાંઠની તાકીદે સર્જરી કરાઇ હતી. ત્યારથી પ્રણવદાની સ્થિતિ નાજૂક છે. પરંતુ ગુરુવારે સોશિયલ મીડિયા પર તેમના અવસાનના ફેક ન્યૂઝ વહેતા થઇ ગયા હતા. અફવા ફેલાતા ગુરુવારે સવારે આર્મી હોસ્પિટલે પ્રણવદા અંગે વિશેષ બુલેટિન જારી કરી જણાવ્યું કે,શ્રી પ્રણવ મુખરજીની હાલત સ્થિર છે. તેઓ નિશ્ચેત (કોમા)ની સ્થિતિમાં છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે

પ્રણવ મુખરજીના આરોગ્ય અંગે બુધવારે મોડી રાતથી સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા માંડી હતી. તેમાં હિમાચલ પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ કુલદીપ સિંહ રાઠોરે તો રાત્રે 12.18 કલાકે પ્રણવદાને શ્રદ્ધાંજલિ અર્પી દીધી હતી.
કુલદીપ સિંહ રાઠોરે પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે, અત્યંત દુઃખદ ખબર, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીજી હવે આ દુનિયામાં નથી રહ્યા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”

જો કે ઉતાવળમાં કરાયેલી તેમની પોસ્ટ બાદ ચારે બાજુથી તેમની ટીકા થવા લાગી હતી. પરિણામે તેમણે ફેસબુક પરથી તાત્કાલિક પોતાની પોસ્ટ હટાવી લીધી હતી.

(6:29 pm IST)