Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

અમેરિકામાં જૂલાઇના છેલ્લા બે અઠવાડિયામાં અંદાજીત 97 હજાર બાળકો થયા કોરોના વાયરસથી સંક્રમિત

મિસૌરી, ઓક્લાહોમા, જ્યોર્જિયા, ફ્લોરિડા, મોંટાના અને અલાસ્કાની અંદર બાળકોમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાયો

વિશ્વમાં જીવલેણ ઘાતક વાયરસનો કહેર યથાવત છે. ત્યારે વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા કોરોના વાયરસના કારણે સૌથી પ્રભાવિત દેશોમાંથી એક છે. ત્યારે હવે અમેરિકાથી બીજા ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. અમેરિકામાં જુલાઇના છેલ્લા બે અઠવાડિયાની અંદર 97 હજાર બાળકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. અમેરિકાની બાળરોગ એકેડમી અને ચિલ્ડ્રન હોસ્પિટલ એસોસિએશન દ્વારા આ માહિતિ આપવામાં આવી છે. એસોસિએશન દ્વારા રાજ્ય સ્તરનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેનાથી સામે આવ્યું છે આ 97 હજાર કેસથી અમેરિકામાં કોરોનાના કુલ કેસમાં 40 ટકાનો વધારો થયો છે.

જ્યારે આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે અમેરિકામાં શાળાઓના ખુલવા પર વિચાર થઇ રહ્યો હતો. અમેરિકામાં દેશભરની શાળાઓ સુરક્ષિત રીતે કઇ રીતે અને ક્યારથી ખોલી શકાય તે અંગે વિચારણા ચાલતી હતી. તેવામાં આ રિપોર્ટ આવતા ચિંતામાં વધારો થયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા પર કોરોના વાયરસ ભારે પડી રહ્યો છે.

ઘાતક કોરોના વાયરસના ફેલાવાની શરુઆતથી લઇને આજ સુધી અમેરિકામાં ત્રણ લાખ 40 હજાર બાળકોને ચેપ લાગ્યો છે. જે દેશના કુલ કોરોના કેસના નવ ટકા છે. અમેરિકામાં મિસૌરી, ઓક્લાહોમા, જ્યોર્જિયા, ફ્લોરિડા, મોંટાના અને અલાસ્કાની અંદર બાળકોમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ લોકડાઉન લાગુ થયા બાદથી તમામ શાળા બંધ છે. અમેરિકાની સ્થિતિ જોતા શાળાઓ ખોલવી જોખમી છે. ભારતમાં પણ કોરોના વકરતો જાય છે. ત્યારે બાળકોમાં આ ચેપ વધારે ના ફેલાય તે જરુરી છે.

(9:43 am IST)