Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ખેડૂતો આનંદો...હવે મળશે કૃષિ ઉપજ ખરીદની ગેરેન્ટી મળશે

ચૂંટણીના વર્ષમાં સરકાર ખેડૂતોને ટેકાના ભાવની વૃદ્ધિ બાદ હવે નવી ભેટ આપશેઃ આ મહિને જ જાહેરાતઃ સરકારી ખરીદની રૂપરેખા ઘડવાનું કામ પ્રધાનોના સમૂહને સોંપાયુ હતું: રિપોર્ટ સોંપાયોઃ ખેડૂતોને મળશે પુરતા ભાવઃ આવક વધશે

નવી દિલ્હી, તા. ૧૩ :. ચૂંટણી વર્ષમાં કૃષિ પાકોની ખરીદીની ગેરેંટી આપવાની તૈયારી અંતિમ ચરણમાં છે. આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત ઓગષ્ટના અંત સુધીમાં થઈ શકે છે. પાકના લઘુતમ સમર્થન ભાવોમાં મોટા વધારાની જાહેરાત પછી કેન્દ્ર સરકારે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવો અપાવવાનો વિશ્વાસ આપ્યો છે. ખરીદ પ્રસ્તાવ હેઠળ પાકની સરકારી ખરીદીમાં રાજ્યોની જવાબદારી વધી જશે, જેના માટે કેન્દ્ર રાજ્યોને નાણાકીય સુરક્ષાની ગેરેંટી આપશે.

પાકના લઘુતમ સમર્થન ભાવોમાં ભારે વધારાની જાહેરાત પછી બધાની નજર પાક ખરીદીની ગેરેંટી પર છે. ચૂંટણી વર્ષમાં સરકાર ખેતી ક્ષેત્રની યોજનાઓને અમલી બનાવવા માટે સતર્ક છે. ખરીફ પાકોની એમએસપીની જાહેરાત પછી તરત જ સરકારી ખરીદીની રૂપરેખા બનાવવાની જવાબદારી મંત્રીઓના સમૂહને સોંપી દેવાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બનેલ સમૂહે પોતાની ત્રણ બેઠકો પછી રીપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપી દીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરીદીની પ્રોસીજરને ગંભીરતાથી જોઈને પ્રસ્તાવ તૈયાર કરવામાં સામેલ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સૂત્રો પ્રમાણે પ્રસ્તાવમાં ઘણા બધા ફેરફાર કરી દેવાયા છે. સંશોધિત પ્રસ્તાવ મુજબ તેલીબીયાની ખરીદીને મધ્ય પ્રદેશની ભાવાંતર યોજના મુજબ તૈયાર કરાયો છે. માનવામાં આવી રહ્યુ છે કે, સ્થાનિક બજારમાં એમએસપી ઉપર તલનું વેચાણ બહુ ઓછું થાય છે. એટલે તેને ભાવાંતર યોજના હેઠળ મુકવામાં આવશે.

કઠોળની ઉપજમાં સતત સુધારાથી બજારને જાળવી રાખવી બહુ જરૂરી માનવામાં આવે છે. કઠોળ આયાતથી મુકિત મેળવવા માટે તેની સો ટકા ખરીદી સુનિશ્ચિત કરવાની તૈયારી છે. કઠોળની અત્યારની ખરીદ વ્યવસ્થાને પરફેકટ બનાવવાની યોજના છે. જેના માટે નાફેડની સાથે કેટલીક રાજ્ય એજન્સીઓને સક્રિય બનાવવામાં આવશે. રાજ્યોને ખરીદીની જવાબદારી સોંપવાની તૈયારી છે. તેના માટે કેન્દ્ર સરકાર તેમને નાણાકીય ગેરેંટી આપવા તૈયાર છે.

એક અનુમાન પ્રમાણે કઠોળની ખરીદીમાં વધુમાં વધુ ૫૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જેના માટે બેંકો પાસેથી લોન લેવામાં આવશે જેનુ ૫૦૦૦ કરોડ રૂપિયા જેટલું વ્યાજ થશે. ખરીદ વ્યવસ્થા માટે આટલી જ ધનરાશીની જરૂર પડશે જે બોજ કેન્દ્ર સરકાર ઉપાડશે. ઘઉં અને ધાન્યની ખરીદીની જવાબદારી આમ પણ રાજ્ય સરકારો પોતે જ ઉઠાવી રહી છે. ખાદ્ય સુરક્ષા માટે જરૂરી બફર સ્ટોકની ખરીદી ભારતીય ખાદ્ય નિગમ કરે જ છે.(૨-૧)

(11:32 am IST)