Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વિરોધી સૂર દબાવવા આતંક વિરોધી કાયદાનો ઉપયોગ અયોગ્ય

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનું મહત્વપૂર્ણ નિવેદન : અમેરિકા અને ભારત વચ્ચેના કાયદાકીય સબંધો પર યોજાયેલા એક કાર્યક્રમમાં જસ્ટિસ ચંદ્રચૂડનું વક્તવ્ય

નવી દિલ્હી, તા.૧૩ : સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે એક મહત્વનુ નિવેદન આપતા કહ્યુ છે કે, વિરોધી સૂર દબાવવા માટે આતંકવાદ વિરોધી કાયદાનો ઉપયોગ કરવો જોઈએ નહી.

અમેરિકા અને ભારત વચ્ચેના કાયદાકીય સબંધો પર યોજાયેલા એક કાર્યક્રમમાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ હતુ કે, મેં પત્રકાર અરનબ ગોસ્વામી વર્સિસ મહારાષ્ટ્ર રાજ્યના કેસમાં આપેલા ચૂકાદામાં વાતનો ઉલ્લેખ કર્યો છે.આપણી કોર્ટોએ નાગરિકોની આઝાદીની રક્ષા કરવા માટે પહેલી હરોળમાં ઉભા રહેવાની ભૂમિકા અદા કરવી પડશે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, કોઈને એક દિવસ માટે પણ આઝાદીથી વંચિત રાખવો બહુ ખોટુ કામ છે.ભારત દુનિયાની સૌથી મોટી અને સૌથી જુની લોકશાહી છે અને તે વૈવિધ્યપૂર્ણ અને અલગ-અલગ સંસ્કૃતિનુ પ્રતિનિધિત્વ કરે છે.

ભારતનુ બંધારણ માનવાધિકારોની રક્ષા માટે પ્રતિબધ્ધ છે.અમેરિકા અને ભારતમાં સુપ્રીમ કોર્ટેને શક્તિશાળી કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે.અમેરિકાએ ભારતના સંવિધાનના દિલ અને આત્મામાં યોગદાન આપેલુ છે.

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ હતુ કે, સજાતીય સબંધોને અપરાધની કેટેગરીમાંથી બહાર કરવા માટેનો ચુકાદો મેં અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના આધાર પર આપ્યો હતો.સાથે સાથે તેમણે એમ પણ કહ્યુ હતુ કે, અમેરિકા સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી તેમજ ધાર્મિક શાંતિને પ્રોત્સાહન આપનાર પ્રમુખ દેશ છે.

(7:42 pm IST)