Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ધુમકેતુ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે

વૈજ્ઞાનિકોના મતે આ પુછડીયો તારો પાંચ કિ.મી.જેટલો મહાકાય છેઃ આ મહિનાના મધ્ય અને ઓગષ્ટ સુધીમાં આ દુલર્ભ ઘટના નિહાળી શકાશેઃ નાસાના બોબ બેહકેને સોશ્યલ મીડિયા પર તસ્વીર શેર કરી

નવી દિલ્હીઃ તાજેતરમાં જ નવો શોધાયેલો એક ધૂમકેતુ અર્થાત પૂંછડિયો તારો (કોમેટ) પૃથ્વીની બિલકુલ નજીકથી પસાર થશે. આ ખગોળિય દ્યટના ભારત સહિત ઉત્તરિય ગોળાર્ધના કેટલાક ભાગોમાં જોવા મળશે. જુલાઈના મધ્યમાં તેમજ ઓગસ્ટ સુધીમાં આ દુર્લભ અવકાશી નજારો જોવા મળે તેવી સંભાવના છે. કોમેટ નીઓવાઈસ (NEOWISE) અંગે વિજ્ઞાનીઓને માર્ચમાં જાણ થઈ હતી. આ ધૂમકેતુ સૂર્યની નજીકથી પસાર થયો હતો અને તેને પગલે તેની મોટાભાગની સપાટી સળગતાં તેની પૂંછડીનો ભાગ વધુ લાંબો થયેલો જણાય છે.

નાસાના નીઓવાઈસ ઈન્ફ્રારેડ સ્પેસ ટેલીસ્કોપે સૌપ્રથમ વખત માર્ચમાં આ ધૂમકેતુની પરખ કરી હતી. આ મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓના મતે આ પૂંછડીયો તારો ૩ માઈલ અર્થાત ૫ કિલોમીટર જેટલો મોટો છે. આ કોમેટના મધ્યભાગમાં કાળી મેશ જેવો પદાર્થ રહેલો છે જે ૪.૬ અબજ વર્ષ પૂર્વે આપણા સૌરમંડળની રચના વખતનો હોવાનું માનવામાં આવે છે.

ભારત અને ઉત્તરિય ગોળાર્ધમાં દેખાશે અદભૂત નજારો

ધૂમકેતુ નીઓવાઈસ જયારે પૃથ્વીની નજીકથી પસાર થશે અને સૌરમંડળમાંથી બહાર નિકળશે તે અદભૂત નજારો ભારત તેમજ ઉત્તરિય ગોળાર્ધના ભાગોમાં નરી આંખે પણ જોવા મળશે. જયાં પ્રકાશ પ્રદુષણ ઓછું હશે તેવા ભાગમાં નરી આંખે આ અદભુત નજારો જોઈ શકાશે. વિજ્ઞાનીઓના મતે સામાન્ય દુરબીનની મદદથી પણ આ નજારો સારી રીતે જોઈ શકાશે.

વિજ્ઞાનીઓના મતે ૭ હજાર વર્ષ બાદ કોમેટ પરત ફરશે, જેથી આ પેઢીએ ચોક્કસ આ દુર્લભ અવકાશી નજારાને નિહાળવો જોઈએ. મધ્ય ૧૯૯૦ના ગાળાથી અત્યાર સુધીમાં આ સૌથી વધુ પ્રકાશતો ધૂમકેતુ છે. અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓએ આ નજારો નિહાળ્યો હોવાની પૃષ્ટિ કરી છે.

નાસાના બોબ બેહકેને સોશિયલ મીડિયા પર આ કોમેટની એક તસવીર શેર કરી હતી. જેમાં મધ્ય એશિયા પૃષ્ઠભૂમીમાં જોવા મળે છે અને સ્પેસ સ્ટેશન આગળના ભાગમાં જોઈ શકાય છે.

મધ્ય જુલાઈ તેમજ ઓગસ્ટના ગાળામાં રાત્રીના અંધકારમાં આ દુર્લભ અવકાશી નજારો જોવા મળશે.

(11:54 am IST)