Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજસ્થાન રાજકીય સંકટ

કોંગ્રેસની રાત્રે ૨:૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સઃ ૧૦૯ ધારાસભ્યોના સમર્થનનો દાવો

કોંગ્રેસનો આક્ષેપઃ બીજેપી દરેક રાજયમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરી રહી છે

જયપુર, તા.૧૩: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે રાજયની કોંગ્રેસ સરકાર માટે સોમવારનો દિવસ ઘણો અગત્યનો છે. રવિવારે આખો દિવસ CM હાઉસમાં પાર્ટીના વરિષ્ઠ અને સંકટમોચક નેતાઓનો જમાવડો લાગેલો રહ્યો. અડધી રાત્રે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સંયુકત પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે બીજેપીના કાવતરાને કોઈ પણ રીતે સફળ નહીં થવા દેવામાં આવે. પાર્ટી એકજૂથ છે. સાથોસાથ ૧૦૯ ધારાસભ્યોના સમર્થનનો દાવો પણ કર્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ ૧૩ જુલાઈએ જયપુર પહોંચશે.

રવિવારે અડધી રાત બાદ લગભગ ૨:૩૦ વાગ્યે CMRમાં પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા અજય માકન અને રણદીપ સિંહ સુરજેવાલાએ સંયુકત પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં તમામ નેતાઓએ કહ્યું કે બીજેપીનો પ્રયાસ સફળ નહીં થાય. તેઓએ આરોપ લગાવ્યો કે બીજેપી દરેક રાજયમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરી રહી છે. બીજેપી રાજસ્થાનમાં કર્ણાટક અને મધ્ય પ્રદેશના ઘટનાક્રમનું પુનરાવર્તન કરવા માંગે છે, પરંતુ તેમાં સફળ નથી થવાનું.

પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે શનિવારે મુખ્યમંત્રીએ બીજેપી દ્વારા સરકાર તોડવાનો કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. ૧૦૯ ધારાસભ્યોએ સહમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓએ અશોક ગહલોત અને સોનિયા ગાંધીમાં વિશ્વાસ વ્યકત કર્યો છે. કેટલાક અન્ય ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. સોમવાર સવારે ૧૦:૩૦ વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે. જે ધારાસભ્ય બેઠકમાં નહીં આવે તેમની વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે.

CMR ધમધમાટઃ ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ઊભા થયેલા રાજકીય સંકટને ઉકેલવા માટે કોંગ્રેસે દિલ્હીથી પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે સહિત વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા અને અજય માકનને મોકલ્યા છે. આ પહેલા રવિવારે દિવસભર CMRમાં ધમધમાટ રહ્યો. મુખ્યમંત્રી અશોક ગહલોત મંત્રીઓ અને ધારાસભ્યો સાથે ચર્ચા કરતા રહ્યા. બીજી તરફ, નારાજ નાયબમુખ્યમંત્રી સચિન પાયલટ દિલ્હીમાં રોકાયેલા છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈ દિવસભર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલતી રહી.(૨૩.૩)

(3:52 pm IST)