Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

કર્ણાટક કટોકટી : હવે વધુ ૫ સભ્યોની સુપ્રીમમાં રજુઆત

રાજીનામાને લઈને બળવાખોરો દ્વારા રજુઆત : નારાજ ધારાસભ્યોને મનાવવાના કોંગ્રેસના છેલ્લી ઘડીના પ્રયાસો : નાગરાજ સાથે શિવકુમારની પાંચ કલાક મિટિંગ

અમદાવાદ,તા.૧૩ : કર્ણાટકમાં રાજકીય કટોકટી વચ્ચે બળવાખોર ધારાસભ્યોના વલણને લઈને ભારે અસમંજસની સ્થિતિ બનેલી છે. મુખ્યમંત્રી કુમારસ્વામી વિધાનસભામાં બહુમતિ સાબીત કરવા માટે સ્પીકરની મંજુરી માગી ચુક્યા છે. ત્યાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બળવાખોરેને મનાવવાના પ્રયાસો લાગી ગયા છે. બીજી બાજુ રાજીનામુ આપી દેનાર પાંચ વધુ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરી ચુક્યા છે. ઉથલપાથલ વચ્ચે ભાજપના અધ્યક્ષ યેદિયુરપ્પાએ કહ્યું છે કે, અમે અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર છે. સોમવાર સુધી રાહ જોઈશુ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બળવાખોર ધારાસભ્ય આનંદસિંહ અને રોશન બેગ સહિત પાંચ ધારાસભ્યો દ્વારા સ્પીકરે તેમનુ રાજીનામુ સ્વીકાર ન કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પીકરની અરજી પર સુનાવણી કરીને મંગળવાર સુધી કોઈ નિર્ણય ન લેવા સ્પીકરને આદેશ કર્યો છે. કર્ણાટકમાં જોરદાર ગુચ પ્રવર્તિ રહી છે. પડદા પાછળની રમત ચાલી રહી છે. બળવાખોરેને માનવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અસંતુષ્ટોને રાજી કરવાના પ્રયાસમાં કોંગ્રેસના સંકટમોચક અને જળસંસ્થાન મંત્રી ડીકે શિવકુમાર આજે સવારે પાંચ વાગે આવાસ મંત્રી નાગરાજના આવાસ ઉપર પહોંચ્યા હતા અને પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસ ધારાસભ્ય એમટીબી નાગરાજ તેમના રાજીનામા વિશે પુનઃવિચાર કરવા માટે તૈયાર થઈ ગયા છે. ધારાસભ્ય નાગરાજે કહ્યું છે કે, તેમણે પાર્ટી નેતૃત્વથી ઉદાસ અને દુખી થઈને રાજીનામું આપ્યું છે પરંતુ હવે પાર્ટી નેતાઓએ તેમનો પક્ષ સામે રાખ્યા પછી તેઓ રાજીનામા વિશે ફરી વિચારણાં કરશે. નાગરાજે કહ્યું છે કે, તેઓ રાજીનામું આપનાર અન્ય ધારાસભ્ય સુધાકર સાથે પણ વાત કરશે. બુધવારે ૧૧ જુલાઈના રોજ ધારાસભ્ય એમટીબી નાગરાજ અને સુધાકર રાવે રાજીનામું આપ્યું હતું. ડીકે શિવકુમાર સાથે મુલાકાત પછી કોંગ્રેસ ધારાસભ્ય એમટીબી નાગરાજે કહ્યું હતું કે, પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે અમારે અમારું રાજીનામું આપવું પડ્યું હતું પરંતુ હવે ડી કે શિવકુમાર અને અન્ય નેતાઓ અમારી સાથે આવી ગયા છે અને અમને અમારૂ રાજીનામું પાછું ખેંચી લેવાની ભલામણ કરી છે. હું આ વિશે સુધાકર રાવ સાથે પણ વાત કરીશ અને અમે આ વિશે કોઈ નિર્ણય લઈશું. અંતે અમે ઘણાં દશકા કોંગ્રેસમાં પસાર કર્યા છે. નાગરાજે કહ્યું કે, તેમણે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સાથે ફોન પર વાત કરી છે અને તેઓ ટૂંક સમયમાં જ તેમનો નિર્ણય બદલશે.

કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મનાવી રહેલા ડીકે શિવકુમારે નાગરાજ સાથે મુલાકાત કરીને કહ્યું કે, અમારે સાથે જીવવાનું છે અને સાથે મરવાનું છે. કારણકે અમે ૪૦ વર્ષ સુધી કોંગ્રેસમાટે કામ કર્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસના ૭૯ ધારાસભ્યોમાંથી ૧૩ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. ત્યારપછીથી જેડીએસ-કોંગ્રેસ સરકાર વચ્ચે જોખણ ઉભુ થઈ ગયું છે. પૂર્વમુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું છે કે, ભાજપના મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિશ્વાસ સાબીત કરવા માટે જે સમય માંગ્યો છે અમે તેમના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

(7:39 pm IST)