Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મેડીકલ સાયન્સનો ચમત્કાર

મૃત્યુની ૪૦ મિનિટ બાદ જીવિત થઈ ગયું નવજાત બાળક

નવી દિલ્હી, તા.૧૩: ફકત ત્રણ અઠવાડિયાની ઈનાયા દુર્લભ હૃદયની બીમારીથી પીડિત હતી. ડોકટરોએ તેના હૃદયની તકલીફ દૂર કરવા ઓપરેશનનું વિચાર્યું ત્યારે જ બાળકને હાર્ટ એટેક આવી ગયો. લગભગ ૪૦ મિનિટ સુધી બાળકીનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયુ હતુ. પરંતુ ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના ડોકટરોએ હાર ન માની અને બાળકના હાર્ટનું મસાજ કરતા રહ્યા. તેનાથી બાળકી પુનઃજીવિત થઈ ગઈ અને ૪૦ મિનિટ બાદ તેના હૃદયે ફરી ધબકવાનું શરૂ કરી દીધું.

આટલું જ નહિ, ડોકટરોએ બાળકીનું ઓપરેશન પણ કર્યું. તેને હ્રદય સાથે જોડાયેલી દુર્લભ બીમારી હતી તેને ઠીક કરવામાં પણ ડોકટરોને સફળતા મળી છે. બાળકીને જે બીમારી છે તેનું નામ એોમેલસ લેફ્ટ કોરોનરી આર્ટીર ફ્રોમ ધ પલ્મોનરી આર્ટ્રી (ALCAPA) છે. સામાન્ય રીતે ડાબી અને જમણી રકતવાહિની મહાધમની કહેવાતી Aortaમાંથી નીકળે છે. આ માણસના શરીરની સૌથી મોટી રકત ધમની છે. તે હૃદયને લોહીની સાથે સાથે ઓકિસજન પણ પહોંચાડે છે. ઈનાયાના કેસમાં હૃદયની ડાબી ધમની પલ્મોનરી ધમનીમાંથી નીકળતી હતી જે ઓકિસજન વિનાની હવા હૃદયને પહોંચાડી રહી હતી.

આ તકલીફને કારણે તેની માંસપેશી ફેલાવા માંડી હતી. મિટ્રલ વાલ્વ જે લોહીને હૃદયના ઉપરના ચેમ્બરથી નીચેના ચેમ્બરમાં પહોંચાડે છે તે હૃદયની ડાબી બાજુથી લીક થવા માંડ્યા. બાળકીના માતા-પિતા સર્જરી માટે રૂપિયા ભેગા કરી શકે એ પહેલા તો બાળકીને એટેક આવી ગયો. અપોલો હોસ્પિટલમાં નાના બાળકોના કાર્ડિયોથોરેસિસ સર્જન અને સીનિયર કન્સલ્ટન્ટ ડો. મુત્થુ જયોતિએ જણાવ્યું, 'આ ICUના ડોકટરોની કોશિશનું જ પરિણામ છે કે ૪૦ મિનિટ પછી ફરી બાળકીનું હૃદય ધબકવા માંડ્યું. ત્યાર પછી બાળકીને સ્ટેબિલાઈઝ કરવામાં આવી અને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી. બાળકીની હૃદયની સર્જરી ખૂબ જ રિસ્કી હતી પરંતુ તેના વિના તે એક વધારે દિવસ જીવિત ન રહી શકત. આથી પરિવારજનોએ પણ અમને સર્જરીની મંજૂરી આપી.'

ડો. જયોતિએ જણાવ્યું કે સર્જરીમાં છ કલાકનો સમય લાગ્યો હતો. ત્યારે તે પલ્મોનરી ધમનીમાંથી નીકળતી હૃદયની ડાબી ધમનીને aorta માં રિલોકેટ કરી શકયા. આ કારણે પલ્મોનરી ધમનીમાં જે ગેપ પડ્યો તેને કાર્ડિએક કવરિંગ પેરિકાર્ડિયમના માધ્યમથી ભરી દેવાશે. આ સર્જરી ૧૩ મેના રોજ કરવામાં આવી હતી. ત્રણ દિવસ બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ડોકટરોએ બધા ટેસ્ટ કર્યા બાદ કન્ફર્મ કરી દીધું કે બાળકીના બધા જ કાર્ડિયાક ફંકશન યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. એમણે થોડા દિવસ પહેલા જ બાળકીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી છે.

(3:49 pm IST)