Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

'લક્ષ્મણ ઝુલા' ખાતે રીપેરીંગ કામકાજઃ યાત્રી માટે નો એન્ટ્રીઃ ૯૬ વર્ષમાં પહેલી ઘટના

પુલનું નિર્માણ બ્રિટિશકાળ દરમિયાન ૧૯૨૩માં કરવામાં આવ્યું હતું

દહેરાદૂન, તા.૧૩: ઉતરાખંડમાં ૯૬ વર્ષ પહેલાં ગંગા નદી ઋષિકેશના પ્રતિષ્ઠિત 'લક્ષ્મણ ઝુલા' પુલને શુક્રવારના દિવસે સુરક્ષા કારણોસર લોકો માટે બંધ કરી દેવાયો છે. ૯૬ વર્ષ જૂના આ લટકતા બ્રીજ ઉપયોગ પદયાત્રીઓ અને દ્વિચક્રી વાહનો નદી પાર કરવા માટે કરતા હતાં.

રાજયના એડિશનલ ચીફ સેક્રેટરી ઓમ પ્રકાશે જણાવ્યું કે, લક્ષ્મણ ઝુલાં પુલના કેટલાક ભાગ ખરાબ સ્થિતિમાં હતો અને એ પદયાત્રીઓનો ભાર સહન કરવામાં અસક્ષમ હતો. તેમણે ઉમેર્યું કે, તાત્કાલિક અસરથી આ પુલ યાત્રીઓ માટે બંધ કરી દેવાયો છે. કારણ કે એ તૂટી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પદયાત્રીઓની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઋષિકેશનો લક્ષ્મણ ઝુલાં પુલ વિશ્વભરમાં જાણીતો છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ પુલ પર અનેક યાત્રીઓએ યાદગાર તસ્વીર ખેંચાવી છે, જેના કારણે આ સ્થળ ખ્યાતનામ છે. આ પુલનું નિર્માણ બ્રિટિશકાળ દરમિયાન ૧૯૨૩માં કરવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે રામના નાના ભાઈ લક્ષ્મણે આ જગ્યા પરથી ગંગા નદી પાર કરી હતી. એટલે આ પુલ અહીંયા બાંધવામાં આવ્યો છે.

લક્ષ્મણ ઝુલાં બ્રીજ પર અનેક હિન્દી ફિલ્મો અને સિરિયલોનું શુટિંગ થયું છે.

(9:59 am IST)