Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પોતાનું સ્પેશ સ્ટેશન બનાવવા ભારત તૈયાર છે : ઇસરો પ્રમુખ

ભારતની નજર શુક્ર અને સૂર્ય ઉપર કેન્દ્રિત થઇ : મિશન ચંદ્રયાન-૨ને લઇને તમામ તૈયારીઓને પૂર્ણ કરાઈ

નવી દિલ્હી, તા. ૧૩ : ૧૫મી જુલાઈના દિવસે લોંચ કરવામાં આવનાર મિશન ચંદ્રયાન-૨ની સાથે જ ભારતની નજર હવે વિનસ (શુક્ર) અને સૂર્ય સુધી કેન્દ્રિત થઇ ગઇ છે. મિશન ચંદ્રયાન-૨ની તૈયારીના સંદર્ભમાં સરકાર અને સુત્રો તરફથી સંયુક્ત માહિતી આપી દેવામાં આવી છે.  ભારતના મહત્વકાંક્ષી સ્પેશ પ્રોજેક્ટના સંદર્ભમાં કેન્દ્રીયમંત્રીએ કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં અનેક મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. ઇસરોના ચેરમેને ભાવિ યોજનાના સંદર્ભમાં માહિતી આપતા કહ્યું છે કે, ભારતીય અંતરિક્ષ વિજ્ઞાને સૂર્ય તેમજ વિનસ જેવા ગ્રહ સુધી પહોંચવા માટે લક્ષ્ય નક્કી કરી દીધા છે. ઇસરોના ચેરમેને એમ પણ કહ્યું છે કે, ૧૫મી જુલાઈના દિવસે સવારે ૨ વાગે ચંદ્રયાન-૨ને લોંચ કરવામાં આવશે. કેન્દ્રીયમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું છે કે, ૧૫મી જુલાઈના દિવસે ચંદ્રયાન મિશનને લોંચ કરવામાં આવશે. આની સાથે એક રોવર પણ રહેશે. મિશન ચંદ્રયાનના આધુનિક સ્વરુપ તરીકે આને ગણવામાં આવે છે. ઇસરોના ચેરમેન સિવાને કહ્યું છે કે, હવે તેની નજર સૂર્ય સુધી કેન્દ્રિત થઇ ગઇ છે. સૂર્યના લિબ્રેશન પોઇન્ટ એક ઉપર એક સેટેલાઇટ મોકલવાની યોજના છે. ભારતની અંતરિક્ષ યોજના ખુબ જ મહત્વકાંક્ષી રહેલી છે. ભારતની નજર અંતરિક્ષના ક્ષેત્રમાં સર્વોચ્ચ બનવાની છે. મિશન ગગનયાન ૨૦૨૧માં પૂર્ણ થશે. આ મિશનમાં ઇસરો પ્રથમ વખત ભારતમાં બનેલા રોકેટને સ્પેશમાં મોકલશે. આની ટ્રેનિંગ પણ ભારતમાં જ થશે. જો કે, એડવાન્સ ટ્રેનિંગ વિદેશમાં થશે. આ મિશન પર બજેટ ૧૦૦૦૦ કરોડ રૂપિયાનું રહેશે.

મિશન વિનસ ૨૦૨૩ માટે છે. છેલ્લા થોડાક વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વૈશ્વિક સમસ્યા બની ચુકી છે. ઇસરો ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા ખાસ મિશન પર કામ કરી રહ્યું છે.  ઇસરોના અધ્યક્ષે માહિતી આપતા કહ્યું છે કે, ભારત પોતાના સ્પેશ સ્ટેશનને બનાવવાની પણ યોજના ધરાવે છે. ગગનયાન મિશનનું વિસ્તરણ કરવામાં આવનાર છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું છે કે, ભારત એક પછી એક સિદ્ધિ મેળવશે.

(8:14 pm IST)