Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

૨૬૩૩ જ્ઞાતિઓને મળતા ૨૭ ટકા ઓબીસી અનામતની નવી ફોર્મ્યુલા લાવશે સરકાર

૨૭ ટકા અનામતની વહેંચણી ઓબીસી જ્ઞાતિઓ વચ્ચે ૩ ભાગમાં કરવા તૈયારી

નવી દિલ્હી, તા. ૧૩ :. કેન્દ્રમાં ફરીથી સત્તા પર આવેલ મોદી સરકાર ઓબીસીને મળતા ૨૭ ટકા અનામતને ઓબીસી જાતિઓના ત્રણ ભાગમાં વહેંચવાનું કરી શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, સરકારની એક પેનલે ઓબીસી અનામતમાં ભાગલાની ભલામણ કરી છે. માનવામાં આવે છે કે મોદી સરકારના ૧૦૦ દિવસના એજન્ડામાં આના પર વિચાર કરી શકાય છે. ઓબીસી અનામતમાં ભાગલાની ભલામણ ઓબીસીમાં અન્ય પછાત વર્ગના ઉપવર્ગીકરણના પંચે કરી છે. જો કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતામાં મંત્રાલયે પંચની ભલામણો સ્વીકારી તો સામાજીક અને રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફારો જોવા મળી શકે છે. અત્યારે તો મંત્રાલય પંચના પ્રસ્તાવ પર એ વિચાર કરશે કે તેને લાગુ કરવો કે નહીં.

હાલની વ્યવસ્થા હેઠળ કેન્દ્ર સરકારની નોકરીઓ અને શિક્ષણમાં મળતા ૨૭ ટકા ઓબીસી અનામતમાં ૨૬૩૩ જાતિઓનો એક જ વર્ગ છે. સરકારી પેનલે ભલામણ કરી છે કે આ ૨૭ ટકા કવોટાને ૩ ભાગમાં વહેંચી દેવાય. પંચનો તર્ક છે કે આ ૨૬૩૩ જાતિઓમાં જેને લાભ નથી મળી શકયો તેને ૧૦ ટકાની કેટેગરીમાં રખાય. એ જ રીતે આંશિક લાભ મેળવનાર જાતિઓને બીજી કેટેગરીમાં રખાય અને તેને પણ ૧૦ ટકા અનામત મળે. જે જાતિઓએ પહેલા વધુ લાભ ઉઠાવ્યો છે. તેને સાત ટકાની કેટેગરીમાં રખાય. પંચના રિપોર્ટના આધારે એચટીએ જણાવ્યુ છે કે માત્ર ૧૦ ટકા ઉપજાતિઓ ૨૫ ટકા અનામતનો લાભ ઉઠાવી રહી છે જ્યારે ૯૮૩ જાતિમાં એવી છે જેને ૨૭ ટકા અનામતનો લાભ કયારેય નથી મળ્યો.

(3:43 pm IST)