Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

બીએસએનએલની પોતાના લેન્ડલાઈન ગ્રાહકોને ફ્રી બ્રોડબેંડની ભેટ

રાજકોટ, તા. ૧૨ :. ભારત સરકારની દૂરસંચાર કંપની બીએસએનએલ પોતાના લેન્ડલાઈન ગ્રાહકોને કે જેમણે બ્રોડબેંડની સુવિધા નથી લીધી તેમને બીએસએનએલના હાઈસ્પીડ બ્રોડબેંડની ગુણવત્તા અને તેના અન્ય ગુણોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્યથી દરરોજ ૫ જીબી ડેટા મફતમાં આપવાનો નિર્ણય કરેલ છે જેથી ગ્રાહકો બીએસએનએલ બ્રોડબેંડ સેવાઓથી વ્યવહારિક અને વાસ્તવિક રૂપે જાણકાર થઈ શકે.

બીએસએનએલના લેન્ડલાઈન ગ્રાહકો તા. ૩૦-૬-૨૦૧૯ સુધીમાં આ પ્લાનમાં નોંધણી કરાવશે તેમને એકટીવેશનની તારીખથી એક માસ માટે દરરોજ ૫ જીબી ડેટા ૧૦ એમબીપીએસ સુધીની સ્પીડ સાથે અને ત્યાર બાદ ૧ એમબીપીએસ સુધીની સ્પીડથી અનલિમિટેડ વપરાશ બિલકુલ મફત મળશે. આ સુવિધા પ્રાપ્ત કરવા માટે ગ્રાહકોએ કોઈપણ પ્રકારનો ઈન્સ્ટોલેશન ચાર્જ કે સિકયોરીટી ડિપોઝીટ ચૂકવવાની નથી. આ સુવિધા મેળવવા માટે ગ્રાહકો એ બ્રોડબેંડ મોડેમની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ પ્રમોશનલ પ્લાનમાં જોડાનાર તમામ ગ્રાહકોને એક માસ બાદ ન્યુનત્તમ માસિક ભાડા રૂ. ૨૯૯ વાળા બ્રોડબેંડ પ્લાનમાં પરિવર્તિત કરવામાં આવશે. વધુ વિગતો માટે બીએસએનએલના ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરવા બીએસએનએલ રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

(4:10 pm IST)