News of Wednesday, 13th June 2018

નાના રોકાણકારોના હિત સાચવવા માટે સેબી દ્વારા વિચારણાઃ શેર બ્રોકર્સ તેમના ક્લાયન્ટની મંજૂરી વગર શેરનો ઉપયોગ નહીં કરી શકે

મુંબઇઃ સેબીએ ટ્રેડિંગ સેટલમેન્ટ માટેના નિયમો કડક બનાવવાનું વિચાર્યું છે. તે રિટેલ રોકાણકારો માટે કસ્ટોડિયન પણ નક્કી કરશે. તાજેતરમાં સેબીની સેકન્ડરી માર્કેટ એડ્વાઇઝરી કમિટીની બેઠકમાં આ દરખાસ્ત પર ચર્ચા થઈ હતી. આ પ્લાન હજુ ઘડાઈ રહ્યો હોવાથી વિગતની ચકાસણી થઈ શકી નથી. સેબીની યોજનાથી બ્રોકરો ક્લાયન્ટના એકાઉન્ટનો દુરુપયોગ નહીં કરી શકે અને તેમની મંજૂરી વગર શેરનું વેચાણ નહીં કરી શકાય, સિવાય કે ક્લાયન્ટ ડિફોલ્ટ થયો હોય.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે જે કામ ઇન્ટરમિડિયરીઝ કરે છે તેવી જ રીતે નાના રોકાણકારો માટે એક કસ્ટોડિયન રાખવા સેબી વિચારે છે. આ કસ્ટોડિયન ટ્રેડ થયા બાદ રોકાણકારની બેક-એન્ડ કામગીરી પર નજર રાખશે. રોકાણકારના ટ્રેડની ખરાઈ કરવાની જવાબદારી સેબી ડિપોઝિટરીઝ CDSL અને NSDL પર નાખે તેવી શક્યતા છે. ડિપોઝિટરીઝ પાસે શેર, ડિબેન્ચર વગેરે સિક્યોરિટીઝ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હોય છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં બ્રોકરો દેવાળું ફૂંકે તો ક્લાયન્ટના શેર પણ ગુમ થઈ જાય છે. શું આપણે એવી સિસ્ટમ રચી શકીએ જેમાં ક્લાયન્ટના શેર બ્રોકર પાસે ન હોય?

બ્રોકર્સ પણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ છે અને રોકાણકાર તથા ડિપોઝિટરી વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. તેના કારણે સ્ટોક એક્સ્ચેન્જ પર થતા ટ્રેડનું સેટલમેન્ટ થાય છે. પરંતુ બ્રોકરો ક્લાયન્ટને નાણાંની ચુકવણીમાં ડિફોલ્ટ થયા હોય તેવા કેટલાક કિસ્સા બહાર આવ્યા પછી બ્રોકરને ક્લાયન્ટના શેર એકાઉન્ટ હેન્ડલ કરવા કેટલો અધિકાર આપવો તે વિશે પુન:વિચારણા શરૂ થઈ છે. છેલ્લા એક વર્ષમાં ૧૨ શેર બ્રોકરે શટર પાડી દીધાં છે. તેમની સામે આરોપ છે કે તેમણે ક્લાયન્ટની મંજૂરી વગર તેમના શેર વેચ્યા હતા અને ક્લાયન્ટને નાણાં ચૂકવ્યાં ન હતાં.

આવા મોટા ભાગના કિસ્સામાં બ્રોકર્સ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરતા હોય છે. આ અધિકારનો ઉપયોગ ત્યારે જ કરી શકાય જ્યારે ક્લાયન્ટ ડિફોલ્ટ થાય. સેબીની યોજનાથી વાકેફ એક અધિકારીએ કહ્યું કે ડિફોલ્ટ થનારા બ્રોકર્સ રોકાણકારોના ₹1,000 કરોડ ઉપાડીને ભાગી ગયા છે.

અધિકારીએ જણાવ્યું કે સિક્યોરિટી હવે બ્રોકરના નામે નહીં ખસેડાય પરંતુ બ્રોકરના એકાઉન્ટમાં પ્લેજ (ગીરો) તરીકે ગણાવાશે. આવા કિસ્સામાં ક્લાયન્ટ ડિફોલ્ટ ન થાય ત્યાં સુધી બ્રોકર શેર નહીં વેચી શકે. નાના રોકાણકારો માટે કસ્ટોડિયન નિયુક્ત કરવાથી બ્રોકરો ક્લાયન્ટના એકાઉન્ટનો દુરુપયોગ નહીં કરી શકે. ક્લાયન્ટ ડિફોલ્ટ થાય તો પણ સિક્યોરિટીઝ ન્યુટ્રલ હશે અને શેર ગુમ નહીં થાય.

(12:00 am IST)
  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST