Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

નાણામંત્રીના એલાનમાં મીડલ કલાસને મળશે રાહત

ટેક્ષ ભરવામાં છુટછાટની સાથે અનેક ભેટ મળવાની સંભાવના

નવી દિલ્હી તા. ૧૩ : કોરોનાના કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે ત્યારે લોકડાઉનનું પ્રથમ અને બીજું ચરણ ખત્મ થઇ ચુકયું છે. જો લોકડાઉન ૩.૦ ચાલી રહ્યંુ છે જે ૧૭ મેએ ખત્મ થશે. આ બધાની વચ્ચે પીએમ મોદીએ દેશના નામે સંબોધન કરીને કેટલીક ખાસ વાતો કહી છે એક લોકડાઉન ૪.૦નો ઉલ્લેખ થયો અને બીજી બાજુ ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી.

પીએમ મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું હતું કે, આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગ માટે પણ છે. જે ઇમાનદારીથી ટેક્ષ ભરે છે. બજેટથી માંડીને ચુંટણી કોઇપણ એવો મોકો નથી હોતો જ્યાં મીડલ કલાસની વાતચીત થઇ ના હોય. મીડલ કલાસને આ વખતે ૨૦ લાખ કરોડના પેકેજ હેઠળ ટેક્ષમાં છુટ મળશે. તેવી અટકળો લગાવાય રહી છે. કારણ કે પીએમ મોદીએ સીધી ટેક્ષ પેયર્સની વાત કરી સંપૂર્ણ મીડલ કલાસની નહી તેથી ટેક્ષ પેયર્સને રાહત આપવા માટે સરકારનું સૌથી મોટું હથિયાર ટેક્ષ છૂટ જ હોય છે.

હાલમાં સ્થિતિ એ છે કે દરેકનો પગાર કપાય રહ્યો છે. પછી તે પ્રાઇવેટ કંપનીમાં હોય કે સરકારી કંપનીમાં. ઘણા લોકો તો સેલેરી વગર રજા એટલે કે લીવ વિધઆઉટ પે પર મોકલી દેવામાં આવ્યા છે.

પહેલાથી જ ભારતમાં બેરોજગારી ભારી હતી અને હવે કોરોનાથી સ્થિતિ બગડી રહી છે. ફકત એપ્રિલના મહિનામાં જ કોરોનાના કારણે અંદાજે ૧૨.૨ કરોડ લોકોએ નોકરી ગુમાવી.

(3:58 pm IST)