Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઉન્નાવમાં 1000 ટન સોનાના ખજાનાનો દાવો કરનારા સંત શોભન સરકારનું નિધન

કાનપુર :શોભન સરકારના સપનાના આધારે ઉન્નાવના ઢૌંડિયા ખેડામાં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની ટીમ ખજાનાને શોધવામાં લાગી ગઈ હતા, તેમનું નિધન થયું છે. શોભન સરકારના નિધનથી ભક્તોમાં શોકનો માહોલ છે. કાનપુર ગ્રામ્યના શિવલી વિસ્તારના બૈરીમાં આવેલા તેમના આશ્રમમાં અંતિમ દર્શન માટે ભક્તો એકત્ર થઈ રહ્યા છે.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે, શોભન સરકારે દાવો કર્યો હતો કે તેમને સપનામાં ફતેહપુરના રીવા નરેશના કિલ્લામાં શિવ ચબૂતરાની પાસે 1000 ટન સોનું દટાયેલું હોવાની જાણ થઈ છે. ત્યારબાદ જ શોભન સરકારે સરકારને સોનું કાઢવા માટેની વાત કહી હતી. સ્થિતિ ત્યારે હાસ્યાસ્પદ થઈ ગઈ જ્યારે સરકારે તેમના સપનાને સાચું માની ખજાનાને શોધવા માટે ખોદકામ પણ શરૂ કરાવી દીધું હતું. જોકે અનેક દિવસો સુધી ચાલેલા ખોદકામ બાદ પણ ખજાનો મળ્યો નહોતો.
 નોંધનીય છે કે, સાધુના સપનાના આધારે ખજાનાની શોધ પર કેન્દ્ર તથા રાજ્ય સરકારની ખૂબ ફજેતી થઈ હતી. તત્કાલીન વીએચપી નેતા અશોક સિંઘલે કહ્યું હતું કે માત્ર એક સાધુના સપનાના આધારે ખોદકામ કરવું યોગ્ય નથી. બીજી તરફ, ખજાનાના અનેક દાવેદાર પણ સામે આવ્યા હતા. રાજાના વંશજોએ પણ ઉન્નાવમાં તંબુ તાણી દીધા હતા. બીજી તરફ ગામ લોકોએ પણ તેની પર દાવો કર્યો હતો. ત્યારબાદ તત્કાલીન કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે ખજાના પર માત્ર દેશવાસીઓનો હક હશે. બીજી તરફ તત્કાલીન સમાજવાદી પાર્ટીની સરકારે કહ્યું હતું કે ખજાનામાંથી મળતી સંપત્તિ પર રાજ્ય સરકારનો હક હશે.
 ઉલ્લેખનીય છે કે, આ સોનાનો ખજાનો ઢૌંડિયા ખેડા સ્ટેટના પચીસમા શાસક રાજા રાજ રામ બક્શ સિંહના કિલ્લાના અવશેષોમાં દટાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેઓએ 1857 દરમિયાન બ્રિટિશ શાસનકાળની સામે લડીને તેમને હંફાવી દીધા હતા અને બાદમાં તેમને એક ઝાડ સાથે લટકાવીને ફાંસી આપવામાં આવી હતી.

(1:16 pm IST)