Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

હવે છેલ્લા તબક્કા માટે 'સટાસટી': રાજકીય પક્ષોએ ઘડી વ્યુહરચના

રવિવારે ૮ રાજ્યોમાં ૫૯ બેઠકો માટે મતદાનઃ રેલીઓની સંખ્યા વધારતા પક્ષોઃ પરિણામો બાદનું પ્લાનિંગ પણ શરૃઃ યુપી, પંજાબ, પ.બંગાળ, મધ્યપ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે મોદીઃ માયાવતી, અખિલેશ, રાહુલે પણ પુરી તાકાત લગાડવાનો નિર્ણય લીધોઃ રાહુલે ૯૪ રેલી સંબોધીઃ ૧,૧૨,૫૮૫ કિ.મી.નો પ્રવાસ કર્યો ૧લી એપ્રિલથી ૧૨ મે સુધી મોદીએ ૧૦૪ રેલી યોજીઃ ૧૦૬૨૫૩ કિ.મી. ફર્યા

નવી દિલ્હી, તા. ૧૩ :. છેલ્લા તબક્કાની ૮ રાજ્યોની ૫૯ બેઠકો માટે બધા પક્ષોએ 'કરો યા મરો'ની ગણતરીએ કમરકસી લીધી છે. ભાજપા સામે પોતાનું જૂનુ પ્રદર્શન ફરીથી કરવાનો પડકાર છે, તો કોંગ્રેસ સહિત બીજા વિપક્ષી દળો સામે ભાજપાની તાકાત ઘટાડીને તેને સત્તાથી દૂર રાખવાનો. ગઈ ચૂંટણીની વાત કરીએ તો એનડીએ એ પોતાના પ્રભાવવાળા છ રાજ્યોમાં ૩૭ માંથી ૩૫ બેઠકો જીતીને ચૂંટણીની બાજી પોતાની તરફેણમાં કરી હતી.

ભાજપા માટે અત્યારે ચિંતાનો વિષય આ રાજ્યો જ છે. ગઈ ચૂંટણીમાં ભાજપાને યુપી બધી એટલે કે ૧૩, હિમાચલ પ્રદેશની ચારેચાર, ચંદીગઢ એક માત્ર, મધ્ય પ્રદેશની બધી ૮, ઝારખંડની ૩માંથી ૧, બિહારની ૮માંથી ૭ બેઠકો મળી હતી. એનડીએને પંજાબની ૧૩માંથી ૫ (અકાલી દળની ૪) બેઠકો મળી હતી. જ્યારે પશ્ચિમ બંગાળની બધી તેર બેઠકો પર ટીએમસી જીતી હતી.

યુપી સહિત પોતાના પ્રભાવવાળા બધા રાજ્યોમાં પક્ષનો ગઢ બચાવવા મોદી પોતે મેદાનમાં ઉતરશે. એટલે જ છેલ્લા તબક્કામાં યુપીમાં ૬ રેલીઓ સાથે તેઓ પોતાની મત વિસ્તાર વારાણસીમાં પણ ધામો નાખશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબ પર પણ મોદી ધ્યાન કેન્દ્રીય કરશે. પશ્ચિમ બંગાળમાં પોતાની બેઠકો વધશે તેવો ભાજપાનો અંદાજ છે. પક્ષના સૂત્રોનું કહેવું છે કે, વડાપ્રધાનની રેલીઓનું આયોજન એ રીતે કરાશે કે બધા સંસદીય મત વિસ્તાર કવર થઈ જાય.

કોંગ્રેસ સામે ભાજપાને જીતતુ રોકવા માટે પૂર્વ ઉત્તર પ્રદેશ અને પોતાની સત્તાવાળા રાજ્યો મધ્ય પ્રદેશ અને પંજાબમાં સારા પ્રદર્શન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગઈ ચૂંટણીમાં યુપી અને મધ્ય પ્રદેશની આ બેઠકો પર કોંગ્રેસનું ખાતુ પણ નહોતું ખુલી શકયું. જો કે પંજાબમાં તેને ૪ બેઠકો મળી હતી. પોતાની સરકારવાળા રાજ્યોમાં સારૂ પ્રદર્શન કરીને પક્ષે એવુ સાબિત કરવું પડશે કે વિધાનસભામાં તેને મળેલી જીત ખાલી સંયોગ નહોતો.

પશ્ચિમ બંગાળની ૯ બેઠકો સત્તારૂઢ પક્ષ ટીએમસી માટે જીવન મરણનો સવાલ છે. ગઈ ચૂંટણીમાં તેણે બધી બેઠકો જીતી હતી. આ વખતે ભાજપા તેને જોરદાર ટક્કર આપી રહ્યો છે. પક્ષના વડા મમતા બેનર્જી જો પોતાનું જુનુ પ્રદર્શન ફરીથી દર્શાવશે તો કેન્દ્રના રાજકારણમાં તેમનો મોભો વધી જશે. સામાન્ય અથવા ખરાબ પ્રદર્શનની કિંમત તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ચૂકવવી પડશે.

સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદીની નક્કી કરવામાં આવેલ રેલીમાં ત્રણ વધારાની રેલીઓ ઉમેરવામા આવી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ તેમની બે રેલીઓ વધારી દેવાઈ છે. ભાજપાનું માનવું છે કે તે વધારાનું જોર લગાવીને યુપીમાં એસપી, બીએસપીની જાતિવાદી કિલ્લેબંધીને તોડી શકે તેમ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ આ વખતે તેમના માટે વધારે શકયતાઓ છે.

આ ચૂંટણીમાં વિપક્ષો તરફથી એક દિલચસ્પ ટ્રેન્ડ બહાર આવ્યો છે. બધા વિપક્ષો મોદીની રેલીઓને કવર કરી રહ્યા છે. જે વિસ્તારમાં નરેન્દ્ર મોદીની રેલી થાય ત્યાં તેના બીજા જ દિવસે વિપક્ષ પણ મોટી રેલી કરે છે. ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ જે કોઈ વિસ્તારમાં રેલી કરી હતી ત્યાં બે દિવસોમાં માયાવતી અને અખિલેશે પણ રેલી કરી. પશ્ચિમ બંગાળમાં તો મમતા બેનર્જીએ, મોદીની જે મત વિસ્તારમાં રેલી થઈ હોય તે વિસ્તારમાં બીજે જ દિવસે ૩ - ૩ રેલીઓ કરી હતી.

છેલ્લા તબક્કામાં કોંગ્રેસને પંજાબ અને મધ્યપ્રદેશમાં પોતાની બેઠકો વધવાની આશા છે. એટલે જ એમપીમાં રાહુલની બે રેલીઓ વધારી દેવાઈ છે. પ્રિયંકા ગાંધીની પણ મધ્યપ્રદેશમાં ત્રણ-ચાર રેલી અને રોડ-શો થઈ શકે છે.

(10:29 am IST)