Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

આખરે મહિલાએ જાત સળગાવી : યુપીની ઘટના

વિધવાને પૈસા માટે પિતા - કાકીએ વેંચી : ખરીદનારોનો ગેંગરેપ : પોલીસે જાકારો આપ્યો

મેરઠ તા. ૧૩ : દેશમાં મહિલાઓની સુરક્ષા દિવસેને દિવસે વધારે જોખમમાં મુકાઈ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી વધુ એક હ્રદય કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિધવા મહિલાને તેના જ પિતા અને કાકી મળીને ૧૦ હજાર રૂપિયામાં વેંચી નાખી. બાદમાં તેને ખરીદનાર વ્યકિત અને તેના મિત્રોએ વારંવાર તેનો રેપ કર્યો. આટલું જ નહીં જયારે તે પોલીસ પાસે મદદ માગવા પહોંચી તો તેને ત્યાંથી પણ હાંકી કાઢવામાં આવી. બધી તરફથી લાચાર બનેલી મહિલાએ પોતાની જાતને આગ ચાંપી દીધી અને છેલ્લા એક મહિનાથી તે દિલ્હીની પ્રાઈવેટ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.

પશ્ચિમ યુપીના હાપુરની આ મહિલાને તેના પતિના મૃત્યુ બાદ વેંચી દેવામાં આવી. તેને ખરીદનાર વ્યકિતએ કેટલાક લોકો પાસેથી લોન લીધી હશે અને તેમને મદદ માટે આ મહિલાને મોકલતો, જયાં તેની સાથે વારંવાર રેપ થતો.

રવિવારે હાપુરના એસ.પી યશવીર સિંહે કહ્યું કે, હવે ૧૪ લોકો વિરૂદ્ઘ રેપની ફરિયાદ નોંધીને કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી કમિશન ફોર વુમન (DCW)ના ચેરપર્સન સ્વાતિ મલિવાલે સમગ્ર મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખીને મહિલા માટે ન્યાય માંગ્યો છે.

DCWના ચેરપર્સને લખેલા પત્રમાં કહ્યું કે, હાપુરની ગેંગરેપ પીડિતાએ યુપી પોલીસના હાથે વિચારી પણ ન શકાય તેવી સતામણીનો સામનો કર્યો છે, વારંવાર કહેવા છતાં પોલીસે તેની ફરિયાદ ન નોંધી. યુપી પોલીસના આ શરમજનક કરતૂતના કારણે પીડિતા મરવા માટે મજબૂર થઈ ગઈ. હાલમાં તે દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(10:11 am IST)