Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

પુત્રીઓને સંપૂર્ણ ન્યાય મળશે જ : મોદીની લોકોને ખાતરી

ગુનેગારોને કોઇ કિંમતે નહીં છોડવાનું વચનઃ કોંગ્રેસના શાસનકાળમાં બાબા સાહેબના સન્માનમાં કોઇ કાર્યક્રમો યોજાયા ન હતા : કોંગ્રેસ ઉપર પરોક્ષરીતે પ્રહારો

નવીદિલ્હી, તા.૧૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉન્નાવ અને કથુઆ ગેંગરેપ ઉપર પ્રથમ વખત આકરી પ્રતિક્રિયા આપી હતી. દિલ્હીમાં આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કરતા મોદીએ કહ્યું હતું કે, આ બંને મામલામાં પુત્રીઓને ન્યાય મળીને રહેશે. ગુનેગારોને કોઇ કિંમતે છોડવામાં આવશે નહીં. ગેંગરેપની આ બંને ઘટનાઓ બાદ એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપર વિપક્ષના પ્રહારો થઇ રહ્યા હતા. બીજી બાજુ દેશભરમાં પણ નારાજગી જોવા મળી રહી છે. વડાપ્રધાને પોતાના સંબોધનના અંતમાં આ બંને ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, છેલ્લા બે દિવસની ઘટનાઓ દેશ માટે શરમજનક છે. આવી ઘટનાથી સમગ્ર દેશ ચિંતાતુર છે. એક દેશ અને એક સમાજ તરીકે અમે તમામ આનાથી શરમજનક સ્થિતિમાં છીએ. તેઓ દેશવાસીઓને ખાતરી આપવા માંગે છે કે, કોઇપણ ગુનેગાર બચી શકશે નહીં. પુત્રીઓને ન્યાય મળીને રહેશે. ન્યાય પૂર્ણ મળશે અને કોઇને છોડવામાં આવશે નહીં. મોદીએ કહ્યું હતું કે આવી ઘટનાઓ ઉપર સમાજને પણ વિચારવાની જરૂર છે. ગુનેગારોને કઠોર સજા કરવાની અમારી જવાબદારી છે. મોદીએ આ ગાળા દરમિયાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળમાં બાબાસાહેબ માટે કરવામાં આવેલા કોઇપણ કામ તેમને યાદ આવતા નથી. કોંગ્રેસના શાસનમાં આંબેડકર માટે કોઇ કામ થયા ન હતા. કોંગ્રેસ પાર્ટીએ બાબાસાહેબના સન્માનમાં એક પણ કાર્યક્રમો યોજ્યા ન હતા. ઉન્નાવ ગેંગરેપ અને કથુઆ બનાવને લઇને દેશભરમાં નારાજગી જોવા મળી રહી છે. ગુરુવારે રાત્રે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્ડલ માર્ચ યોજી હતી. એ ગાળામાં તેમની સાથે પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાઢેરા પણ જોડાયા હતા. કથુઆ ગેંગરેપમાં સાતની ધરપકડ કરાઈ છે.

(9:50 pm IST)