Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

નવાઝ યુગ આથમ્યોઃ ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ

પાકિસ્તાન સુપ્રિમ કોર્ટનો ચુકાદોઃ નવાઝ શરીફની રાજકીય કારકીર્દી ઉપર પૂર્ણવિરામ મૂકાયું: પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો

ઇસ્લામાબાદ તા. ૧૩ : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે દેશના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની રાજકારણમાં પરત ફરવાની ઈચ્છા પર પાણી ફેરવી દીધું છે. સુપ્રીમ કોર્ટે પનામા પેપર્સ કેસ મામલે ચુકાદો આપતા કહ્યું હતું કે ગયા વર્ષે આ સંદર્ભે નવાઝ શરીફ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ આજીવન રહેશે. તેઓ જાહેર પદ પર રહેવા માટે અયોગ્ય છે.નવાઝ શરીફ પાકિસ્તાનના બંધારણની કલમ ૬૨ (૧) એફ પ્રમાણે જાહેર પદ પર રહેવા માટે અયોગ્ય ઠરે છે. આ કલમ પ્રમાણે પાકિસ્તાનની સંસદના કોઈ હોદ્દા પર રહેનાર વ્યકિત પ્રામાણિક અને ઈમાનદાર હોવો જોઈએ. આ અતંર્ગત નવાઝ શરીફને ગયા વર્ષે વડાપ્રધાન પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના આરોપમાં ગયા વર્ષે જુલાઈમાં કોર્ટે તેમને પદ પરથી હટાવી દીધા હતા. શરીફ ત્રણ વખત પાકિસ્તાનના પીએમ પદે રહી ચુકયા છે. હાલમાં કોર્ટમાં તેમની સામે કેસ ચાલી રહ્યો છે.શરીફે તેમને વડાપ્રધાન પદ પરથી હટાવવા અંગે કોઈ 'છૂપી તાકાત'નો હાથ હોવાનું જણાવતા તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના તમામ આરોપ ખોટા હોવાનું જણાવ્યું હતું. આ કાયદા પ્રમાણે નવાઝ શરીફ ઉપરાંત પાકિસ્તાન તહરીક-એ-ઇન્શાફ પાર્ટીના જહાંગીર તરીનને પણ સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

(4:19 pm IST)