Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

રેલવેની 'દિશા' એપ્લિકેશનનો વિસ્તાર લાંબા અંતરની ટ્રેન સહિત કેટરીંગની માહિતી

મુંબઈ તા. ૧૩ : ભારતીય રેલવેના પ્રવાસીઓને ટ્રેનો સંબંધિત માહિતી મળે અને ડિજિટલ ઈન્ડિયાની દિશામાં પા પા પગલી માંડવા માટે 'દિશા' એપ્લિકેશન શરૂ કરવામાં આવી, પરંતુ હવે આ એપ માત્ર ટ્રેનોની માહિતી આપવા સુધી સીમિત ન રહેતાં હવે પ્રવાસીઓને લોકલ ટ્રેનની માહિતી, કેટરિંગના ભાવ અને રેલવે દ્વારા જાહેર કરવામાં આવનારી હોલીડે સ્પેશિયલ ટ્રેનોની માહિતી પણ મળશે.

'દિશા' પર અત્યાર સુધી લાંબા અંતરની ટ્રેનોની માહિતી નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમ (એનટીઈએસ)ના માધ્યમથી મળી રહેતી હતી. હવે આ એપ્લિકેશનને અપગ્રેડ કરીને તેમાં મુંબઈની લોકલ ટ્રેનોના ઈટીએ (એકસ્પેકટેડ ટાઈમ અરાઈવલ)ની માહિતી પણ મળશે, જેથી પ્રવાસીઓ ટ્રેનોનું લોકેશન જોઈને તેમનો પ્રવાસ ગોઠવી શકશે.

ઉપરાંત આ એપમાં રેલવેની કેટરિંગ સંબંધિત માહિતી પણ મળી રહેશે. જેમાં ખાદ્યપદાર્થની કિંમત પણ અપડેટ કરવામાં આવી છે. આ સિસ્ટમને કારણે અવારનવાર પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતી ઓવરચાર્જિંગની સમસ્યાનો પણ અંત લાવી શકાશે, એવો વિશ્વાસ રેલવે અધિકારીઓ દ્વારા વ્યકત કરાઈ રહ્યો છે.

એપમાં કરવામાં આવેલા ત્રણ ફેરફારમાં કરાયેલો છેલ્લો અને ત્રીજી ફેરફાર એટલે લાઈવ નોટિફિકેશન. લાઈવ નોટિફિકેશનમાં રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી વધારાની લાંબા અંતરની ટ્રેનો, મેગા બ્લોક સહિતની અન્ય મહત્ત્વની માહિતી આ નોટિફિકેશનના કારણે પ્રવાસીઓ સુધી પહોંચાડવાની યોજના રેલવે દ્વારા કરવામાં આવી છે.(૨૧.૭)

(12:03 pm IST)