Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને ત્રણ મહિનામાં હટાવવા સુપ્રીમકોર્ટે સમય આપ્યો

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા આ આદેશ આપ્યો

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા આ આદેશ આપ્યો છે, જેમાં તેમને મસ્જિદને તેના પરિસરમાંથી હટાવવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે વક્ફ મસ્જિદ, હાઈકોર્ટ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી અને કહ્યું કે તમને મસ્જિદ હટાવવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે.

 જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે કહ્યું કે જો તમે આજથી ત્રણ મહિનાની અંદર મસ્જિદને હટાવી નહીં, તો ઓથોરિટીઝને તેને તોડી પાડવાની છૂટ હશે.

  આ ઉપરાંત બેન્ચે અરજદારોને ઉત્તર પ્રદેશ સરકારને મેમોરેન્ડમ સબમિટ કરવાની પણ મંજૂરી આપી હતી, જેમાં મસ્જિદ માટે વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરાવવાની માગણી કરવામાં આવી હતી.

  ખંડપીઠે કહ્યું કે, રાજ્ય સરકાર તમારી માંગ પર નિયમો પ્રમાણે વિચાર કરી શકે છે. ખંડપીઠે નોંધ્યું હતું કે હાઈકોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદ સરકારને લીઝ પર આપવામાં આવેલી જમીન પર આવેલી છે. તેની લીઝ 2022માં જ રદ કરવામાં આવી હતી. આ પછી, 2004 માં, આ જમીન હાઇકોર્ટને આપવામાં આવી હતી જેથી તે તેના પરિસરનો વિસ્તાર કરી શકે.

(12:24 am IST)