Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જંત્રીની ડેડલાઇન નજીક આવતા જ ક્રેડિટની માંગ વધી : બિલ્‍ડરો પેમેન્‍ટ માટે ઉતાવળા બન્‍યા

જંત્રીના નવા દર ૧૫ એપ્રિલથી અમલમાં આવવાના છે : ગુજરાતમાં રો મટિરિયલના ભાવમાં વધારાના કારણે ડેવલપર્સના સમીકરણો ખોરવાઈ ગયા છે : આ ઉપરાંત જંત્રીની ડેડલાઈન પણ નજીક આવી હોવાથી તેઓ જૂના દરે એફએસઆઈ ખરીદવા મૂડી એકઠી કરી રહ્યા છે : પ્રોજેક્‍ટ પાર પાડી શકાય અને નવી જમીનની ખરીદીનું રજિસ્‍ટ્રેશન થઈ શકે તે માટે તેઓ બેન્‍કો અને નાણાકીય સંસ્‍થાઓ પાસેથી ક્રેડિટ લઈ રહ્યા છે

નવી દિલ્‍હી તા. ૧૩ : ગુજરાતમાં રિયલ એસ્‍ટેટ સેક્‍ટરમાં ક્રેડિટની માંગમાં જોરદાર વધારો થયો છે. સરકારે જંત્રીના દરમાં થોડો સમય રાહત આપ્‍યા પછી નવા દરની તારીખ નજીક આવી રહી છે. તે અગાઉ જૂના દરે FSI ખરીદવા માટે ડેવલપર્સ મૂડી એકઠી કરવામાં લાગ્‍યા છે. ૧૫ એપ્રિલ સુધી બિલ્‍ડરોને જૂની જંત્રીનો લાભ મળવાનો છે. તેથી ત્‍યાં સુધીમાં શક્‍ય FSI ખરીદવા માટે મૂડીની જરૂર પેદા થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ડીલ થઈ જાય તે માટે પણ બિલ્‍ડરોના પ્રયાસ ચાલુ છે. આ માટે તેમણે નાણાકીય સંસ્‍થાઓ અને પ્રાઈવેટ ફાઈનાન્‍સર્સ પાસેથી મૂડી એકઠી કરવાનું શરૂ કર્યું છે જેથી પ્રોજેક્‍ટ પાર પાડી શકાય અને નવી જમીનની ખરીદીનું રજિસ્‍ટ્રેશન થઈ શકે.

બીજી તરફ ડેવલપર્સે ખરીદદારોને પણ બાકીના પેમેન્‍ટ ઝડપથી કરવા માટે તાકીદ કરી છે. વ્‍યાજના દરમાં વધારો થવાથી ડેવલપર્સ માટે ખર્ચનું સમીકરણ બદલાઈ ગયું છે. છેલ્લા કેટલાક મહિનામાં કન્‍સ્‍ટ્રક્‍શનના ખર્ચમાં પણ વધારો થયો છે અને વર્કિંગ કેપિટલની ડિમાન્‍ડ વધી ગઈ છે. ક્રેડાઈ ગુજરાતના ડિરેક્‍ટર રાજેશ વસાણીએ જણાવ્‍યું કે દર વર્ષે માર્ચ મહિનામાં નાણાકીય વર્ષનો અંત આવે તે અગાઉ લિક્‍વિડિટીની જરૂરિયાત વધી જતી હોય છે. પરંતુ આ વર્ષ અલગ છે. જંત્રીના નવા દર ૧૫ એપ્રિલથી અમલમાં આવવાના છે. તેથી ડેવલપર્સે તે અગાઉ તેમના પ્‍લાન મંજૂર કરાવવાના છે અને FSIની ખરીદીનો પ્રથમ હપતો ભરવાનો છે. ડેવલપર્સે જે જમીન ખરીદી છે તેના માટે ૧૫ એપ્રિલ અગાઉ રજિસ્‍ટ્રેશન પ્રક્રિયા પૂરી કરવાની છે.વસાણીએ કહ્યું કે રો મટિરિયલના ભાવમાં વધારો થયો હોવાથી બાંધકામનો ખર્ચ પણ વધી ગયો છે. ઘણા ડેવલપર્સ તેમના ખરીદદારોને ઝડપથી પેમેન્‍ટ કરવા કહે છે. આ ઉપરાંત તેમણે વેચાણ વધારવા માટે પણ પ્રયાસ વધારી દીધા છે.

ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ મનન દોશીએ જણાવ્‍યું કે વ્‍યાજદરમાં સળંગ વધારાના કારણે ઘર ખરીદવા માંગતા લોકોના સેન્‍ટીમેન્‍ટ પર અસર પડી છે. જંત્રીના નવા દર અમલમાં આવે તે અગાઉ જુદી જુદી પ્રોસેસ પૂરી કરવા માટે ડેવલપર્સને ફંડની જરૂર છે. ઘણા ડેવલપર્સે બેન્‍કો અને નોન-બેન્‍કિંગ ફાઈનાન્‍સ કંપનીઓ (NBFCs) પાસેથી ૧૫ ટકાના દરે ક્રેડિટ મેળવી છે. ડેવલપર્સમાં ક્રેડિટ માટેની એકંદર ડિમાન્‍ડમાં માર્ચમાં ૨૫ ટકાનો વધારો થયો છે.

એક ડેવલપરે કહ્યું કે લિક્‍વિડિટીની માંગ વધી ગઈ છે, પરંતુ ફંડ પણ સરળતાથી મળી રહે છે. ડેવલપર્સ અત્‍યારે રિયલ્‍ટી માર્કેટ અંગે બુલિશ છે. તેથી જંત્રીના દરમાં વધારો થવા છતાં કોઈ ડીલ રદ કરવામાં આવી નથી. એકંદરે આર્થિક ગ્રોથ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના વિકાસના કારણે હાઉસિંગ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માંગ સારી રહેશે.

(4:20 pm IST)