Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

લંડનમાં રાહુલના નિવેદન મામલે જબરો હંગામો : બંને ગૃહ આવતીકાલ સુધી સ્‍થગિત

ભારતના લોકો - ગૃહનું અપમાન કર્યુ : માફી માંગે : ભાજપ : ભાજપ લોકતંત્રને કચડી રહી છે : કોંગ્રેસ અધ્‍યક્ષ ખડગે

નવી દિલ્‍હી તા. ૧૩ : આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો હંગામેદાર પ્રારંભ થયો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લંડનમાં કરેલા નિવેદનના મામલે બંને ગૃહોમાં હોબાળો થતાં બંને ગૃહો આવતીકાલ સુધી સ્‍થગિત કરાયા છે. ભાજપે રાહુલ પાસે માફીની માંગણી કરી છે તો કોંગ્રેસે કહ્યું છે કે, દેશમાં લોકતંત્રને કચડી નાખવામાં આવી રહ્યું છે.

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી ૨ વાગ્‍યા સુધી સ્‍થગિત કરવી પડી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશમાં સરકારની ટીકા કરતા હોવાનો મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્‍યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સાંસદ રાહુલ ગાંધીએ લંડનમાં ભારતનું અપમાન કર્યું. હું માંગ કરૂં છું કે તેમના નિવેદનોની આ ગૃહના તમામ સભ્‍યો દ્વારા નિંદા કરવી જોઈએ અને તેમને ગૃહ સમક્ષ માફી માંગવા માટે કહેવામાં આવે. તેમણે કહ્યું કે ચીનના મુદ્દે વાહિયાત નિવેદનો કરનારા રાહુલ ગાંધીએ ગૃહમાં આવીને માફી માંગવી જોઈએ.

રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ સાંસદોએ લોકસભામાં હંગામો મચાવ્‍યો હતો, જયારે રાજયસભામાં વિપક્ષે CBI અને EDના કથિત દુરૂપયોગને લઈને હંગામો કર્યો હતો. હંગામાને કારણે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્‍યા સુધી સ્‍થગિત કરવામાં આવી હતી. કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું કહેવું છે કે જયારે કોઈ વ્‍યક્‍તિ દેશની બહાર વડાપ્રધાનનું અપમાન કરે છે ત્‍યારે તે દેશનું અપમાન કરે છે. જે લોકો લોકસભામાં કલાકો સુધી નિવેદનો આપે છે અને વિદેશમાં જઈને કહે છે કે લોકોને બોલવા દેવામાં આવતા નથી, લોકસભાના અધ્‍યક્ષે આ અંગે કાર્યવાહી કરવી જોઈએ. તે જ સમયે, કેન્‍દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું કે તેમણે ભારતના લોકતંત્રને બચાવવા માટે અન્‍ય દેશને હસ્‍તક્ષેપ કરવા વિનંતી કરી. આ ભારત, ભારતની લોકશાહી અને સંસદનું અપમાન છે. તેઓ જૂઠું બોલીને આ દેશનું કેમ અપમાન કરી રહ્યા છે.

બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓએ કેન્‍દ્રીય એજન્‍સીઓના કથિત દુરૂપયોગ અને અદાણી વિવાદ સહિત અન્‍ય કેટલાક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સંસદની શરૂઆત પહેલા વિપક્ષી નેતાઓએ બેઠક યોજી હતી. ખડગે ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ અને જયરામ રમેશ, ડીએમકેના ટીઆર બાલુ, આરજેડીના ફયાઝ અહેમદ, શિવસેના (ઉદ્ધવ) સંજય રાઉત, આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને અન્‍ય ઘણા પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસે ભાગ લીધો ન હતો. કોંગ્રેસના સાંસદોએ તેના સંસદીય દળના વડા સોનિયા ગાંધીના નેતૃત્‍વમાં એક અલગ બેઠક યોજી હતી જેમાં સત્ર અંગે પક્ષની વ્‍યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(3:26 pm IST)