Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સિલિકોન વેલી બાદ હવે સિગ્નેચર બેંકને પણ તાળુ

અમેરિકામાં બેકિંગ ક્રાઈસિસઃઅમેરિકાએ સિગ્નેચર બેંકને અસ્‍થાયી રીતે બંધ કરી દીધી : એક અઠવાડિયાની અંદર જ બીજી અમેરિકાની બેક બંધ થઈ ગઈ છેઃ બેંકિંગ સંકટને લઈને આજે ફેડરલ રિઝર્વની ઈમરજન્‍સી બેઠક પણ યોજાવા જઈ રહી છે

નવી દિલ્‍હી, તા.૧૩: અમેરિકા બેંકિંગ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકાની બેંકો પર એક બાદ એક તાળા લટકતાં જોવા મળી રહ્યા છે. પહેલાં સિલિકોન વેલી બેંક અને હવે વધુ એક અમેરિકાની બેંક પર તાળુ વાગ્‍યું છે. અમેરિકામાં બેંકિંગ સંકટ વચ્‍ચે હવે સિગ્નેચર બેંક પર અસ્‍થાયી રુપે તાળુ મારવામાં આવ્‍યુ છે. સિગ્નેચર બેંક પાસે ક્રિપ્‍ટોકરન્‍સીનો સ્‍ટોક હતો. ક્રિપ્‍ટોકરન્‍સીમાં જોખમને જોતા બેંકને અસ્‍થાયી રીતે તાળુ મારવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. મહત્‍વનું છે કે, સિગ્નેચર બેંક ન્‍યૂયોર્કની એક ક્ષેત્રીય બેંક છે. એક અઠવાડિયાની અંદર જ બીજી અમેરિકાની બેંક છે કે જેને બંદ કરવામાં આવી હોય.

બેંકની આર્થિક સ્‍થિતિને જોતા ફેડરલ ડિપોઝિટ ઈન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશને સિગ્નેચર બેંક પર પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે. વર્ષ ૨૦૨૨માં બેંક પાસે ૧૧૦.૩૬ અબજ ડૉલરની સંપતિ હતી. ક્રિપ્‍ટોકરન્‍સીની સ્‍થિતિને જોતાં બેંકને કેટલાંક દિવસો માટે બંદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. અમેરિકાની બેંકો પર મંડરાઈ રહેલાં આ સંકટને જોતા આજે ઈમરજન્‍સી બેઠક પણ બોલાવવામાં આવી છે. સિલિકોન વેલી બેંક, સિગ્નેચર બેંક પર પડેલી અસર બીજી બેંકો પર ન પડે એટલા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વે ઈમરજન્‍સી બેઠક બોલાવી છે. બેંકિંગ ક્રાઈસિસ સામે લડવા માટે ડિપોઝિટ ઈન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશન અને ફેડરલ રિઝર્વ પ્‍લાન તૈયાર કરી રહ્યાં છે.

બેંકના ખાતાધારકોનું શું થશે? સિલિકોન વેલી બંદ થયા બાદ ભારતમાં પણ ટેન્‍શન જોવા મળી રહ્યું છે. અમેરિકાની બેંકો પર તાળુ લાગ્‍યું હોવાના સમાચારોથી ભારતની પણ મુશ્‍કેલી વધવી નક્કી છે. ભારતના અનેક સ્‍ટાર્ટઅપ્‍સ પર સિલિકોન વેલી બેંકનું રોકાણ છે. તો અમેરિકાના રાષ્‍ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, બેંકોના ડૂબવા માટે જે લોકો પણ જવાબદાર છે એની સામે અમેરિકા સખત કાર્યવાહી કરશે. બેંકોના ખાતાધારકોનાં રુપિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેઓએ ટ્‍વિટ કરીને લખ્‍યું કે, મોટી બેંકોની દેખરેખ અને રેગ્‍યુલેશનને વધુ મજબૂત કરવામાં આવશે.

(3:25 pm IST)