Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

૧૧૩ વર્ષના સૌથી મોટી ઉંમરના વૃધ્‍ધનો દાવોઃ થોડા થોડા દારૂએ મને જીવાડી રાખ્‍યોઃ વધી આવરદા

લાંબુ જીવવામાં ચાર વસ્‍તુઓનું યોગદાન : દિવસમાં બે વાર પ્રાર્થના કરો, સખત મહેનત કરો, વહેલા ઉઠો અને એક કપ વરિયાળી-સ્‍વાદવાળો વાઇન પીવો

ન્‍યુયોર્ક,તા. ૧૩: દારુ પીવો સારો કે નહીં તેને લઈને અનેક ચર્ચા છે. ઘણા કહે છે કે દારુ પીવો સારો છે તો ઘણા કહે છે તેનાથી નુકસાન થાય છે પરંતુ આ બધા વચ્‍ચે હવે દક્ષિણી અમેરિકી દેશ વેનેઝુએલાના ૧૧૩ વર્ષના વૃદ્ધે અજીબ દાવો કર્યો છે. જુઆન વિસેન્‍ટ પેરેઝ મોરા  ૧૧૩ વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ ફિટ છે. કોઈ રોગ નથી. હંમેશા ખુશ રહેતા પેરેઝ મોરાએ પોતાની ફિટનેસ અને હેલ્‍થ લઈને કેટલીક ટીપ્‍સ આપી છે.

વેનેઝુએલામાં રહેતા પેરેઝને દુનિયાના સૌથી વૃદ્ધ વ્‍યક્‍તિનો ખિતાબ મળ્‍યો છે. તેમનો જન્‍મ ૨૭ મે, ૧૯૦૯ના રોજ થયો હતો. આ ઉંમરે પણ તેમનું શરીર સારું છે. ખાલી સાંભળવામાં થોડી તકલીફ પડે છે  અને બ્‍લડ પ્રેશર સિવાય બીજો કોઈ મોટો રોગ નથી. સમયાંતરે તેમનું હેલ્‍થ ચેકઅપ કરવામાં આવે છે. તેમને હંમેશા મહેનત કરવી ગમે છે.  વાતવાતમાં તેમણે પોતાનું એક રહસ્‍ય જણાવ્‍યું હતું. તેમણે કહ્યું કે આજે પણ તે રોજ એક ગ્‍લાસ ડ્રિંક લે છે. તેનાથી તે અત્‍યાર સુધી સ્‍વસ્‍થ રહ્યો છે. પેરેઝ હજી પણ દરરોજ કોલમ્‍બિયન વાઈનનો પેગ મારવાનું ભૂલતા નથી. તેઓ કહે છે મારા લાંબા જીવવાનું રહસ્‍ય દારુ છે.

બીજા વિશ્વયુદ્ધ પહેલાં જન્‍મેલા પેરેઝ મોરાનું માનવું છે કે તેમના સારા, લાંબા અને તંદુરસ્‍ત જીવનમાં ચાર વસ્‍તુઓ ફાળો આપે છે, એટલે કે, દિવસમાં બે વાર પ્રાર્થના કરો, સખત મહેનત કરો, વહેલા ઉઠો અને એક કપ વરિયાળી-સ્‍વાદવાળો વાઇન પીવો. પેરેઝના ડોક્‍ટર એનરિક ગુઝમેનના જણાવ્‍યા અનુસાર, તે એક એવી વ્‍યક્‍તિ છે જે થોડા વધુ વર્ષો સુધી જીવી શકે છે. એજિંગમાં કેટલાક ફેરફાર સિવાય તેમનામાં હેલ્‍થ પ્રોબ્‍લેમ પણ નથી. ૪ ભાઈ-બહેનોમાંના એક પેરેઝનો જન્‍મ તાચિરાના અલ કોબરામાં થયો હતો, પરંતુ તેનો પરિવાર ટૂંક સમયમાં જ સાન જોસ ડી બોલિવરના લોસ પાજુઇલ્‍સ ગામમાં રહેવા ગયો હતો. ૨ વર્ષની ઉંમરે, તેમણે તેમના ભાઈઓ અને પિતા સાથે શેરડી અને કોફીની ખેતી શરૂ કરી.

પેરેજ મોરા છેલ્લા ઘણા વર્ષોથી દારુ પીએ છે તેમનું માનવું છે કે દારુ અને બીજી કેટલી જીવનશૈલીને કારણે આટલું નિરોગી અને લાંબુ જીવન જીવી શક્‍યા છે.

(10:47 am IST)