Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જમ્મુ-કાશ્મીર સરકારે શનિવારે પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પ્રોગ્રેસિવ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદના ઘરનું વીજ કનેક્શન કટ

તેમના ઘરના વીજ કનેક્શન પર એરિયર ચૂકવવાનો બાકી હતો

નવી દિલ્‍હીઃ  જમ્મુ-કાશ્મીર સરકારે શનિવારે પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પ્રોગ્રેસિવ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદના ઘરનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. એવા અહેવાલ છે કે તેમના ઘરના વીજ કનેક્શન પર એરિયર ચૂકવવાનો બાકી હતો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ પણ આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. એક અહેવાલમાં રાજ્યસભાના વિપક્ષના પૂર્વ નેતાના નજીકના સૂત્રોના હવાલાથી તેની પુષ્ટી કરાઈ હતી.

રૈનાએ જણાવ્યું કે હું નિયમિત રીતે બિલની ચૂકવણી કરું છું. હાલમાં હું રાજૌરીમાં છું. જ્યારે જમ્મુ પરત ફરીશ ત્યારે ખબર પડશે કે છેવટે મારા ઘરનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું? આઝાદ અને રૈના ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓના ઘરના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તેમાં રામબનથી પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા નીલમ લંગેહનું નામ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે આ ત્રણેય નેતા જમ્મુ શહેરના ગાંધીનગર વિસ્તારમાં સરકારી નિવાસોમાં રહે છે. સૂત્રોએ કહ્યું કે તેમના બાકીના લેણા 2 લાખ રૂ.થી વધુ થઈ ગયા હતા. એક સૂત્રએ કહ્યું કે વાલ્મિકી કોલોનીમાં રહેતા લોકોના ઘરે વીજ સપ્લાય બંધ કરી દેવાયો છે. આ કોલોનીના લોકોએ વીજ બિલની ચૂકવણી નહોતી કરી. તે પાડોશી રાજ્ય પંજાબથી આવ્યા હતા અને અનેક દાયકા પહેલા જમ્મુમાં વસી ગયા હતા. વીજ વિભાગના એક વરિષ્ઠ એન્જિનિયરે કહ્યું કે વાલ્મિકી કોલોનીના લોકોએ દાવો કર્યો કે તેમને જમ્મુ-કાશ્મીરની તત્કાલીન સરકારે જમ્મુ શહેરમાં સ્વચ્છતા કાર્ય બદલ તમામ સુવિધા આપવાનો વાયદો કર્યો હતો. એટલા માટે તે બિલની ચૂકવણી નથી કરતા.

(12:00 am IST)