Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પાકિસ્‍તાનમાં આર્થિક સ્‍થિતિ ડાઉન જતી જોવા મળી : પેટ્રોલ-ડીઝલ, ગેસ અને વીજળી ઉપરાંત પાકિસ્તાનમાં લોટ અને ચોખાની પણ અછત સર્જાઈઃ દવાઓનું સંકટ પણ ઊભું થયુઃ ૧૦ લાખ લોકો દેશ છોડી હિજરત કરી

પાકિસ્તાનથી વિદેશ જનારા લોકોની સંખ્યામાં અચાનક વધારોઃ 2021 ની તુલનામાં, 2022 માં દેશ છોડીને જતા પાકિસ્તાનીઓની સંખ્યામાં લગભગ 200 ટકાનો વધારો

કરાંચીઃ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. પાડોશી દેશ પર દેવાનો બોજ એટલો વધી ગયો છે કે તેને ગમે ત્યારે ડિફોલ્ટર જાહેર કરી શકાય છે. અહીંના લોકો માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. આ સંજોગોમાં હવે પાકિસ્તાનના અમીર લોકો દેશમાંથી ભાગી જવાનું વધુ સારું માની રહ્યા છે.

એક અહેવાલ મુજબ પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં અમીર લોકો અન્ય દેશોમાં જઈ રહ્યા છે. ગયા વર્ષે લગભગ 10 લાખ પાકિસ્તાનીઓએ પોતાનો દેશ છોડી દીધો હતો. પાકિસ્તાનથી વિદેશ જનારા લોકોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. 2021 ની તુલનામાં, 2022 માં દેશ છોડીને જતા પાકિસ્તાનીઓની સંખ્યામાં લગભગ 200 ટકાનો વધારો થયો છે.

આ માહિતી ત્યારે સામે આવી જ્યારે હોન્ડા કાર કંપનીએ પાકિસ્તાનમાં તેનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી. પાકિસ્તાની મીડિયા અનુસાર હોન્ડા કંપનીએ પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જને પત્ર લખીને આ અંગેની જાણકારી આપી છે. હોન્ડા કાર કંપની પાકિસ્તાનમાં પોતાનો કારોબાર બંધ કરવા માટે એકલી નથી, છેલ્લા કેટલાક મહિનામાં ઘણી મોટી કંપનીઓ દેશ છોડી ચૂકી છે. આવી સ્થિતીમાં પાકિસ્તાનનું ભાગ્ય પણ શ્રીલંકા જેવું જ થાય તો નવાઇ નહીં.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સુઝુકી મોટર્સ કોર્પોરેશન, જીએસકે, અમરેલી સ્ટીલ્સ લિમિટેડ, મિત્તલ ટ્રેક્ટર્સ લિ. અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ લિ. સહિત અનેક કંપનીઓએ પોતાના પ્લાન્ટ બંધ કરી દીધા છે. આ કંપનીઓનું કહેવું છે કે પાકિસ્તાનમાં તેમના ઉત્પાદનો ખરીદવા માટે કોઈ બચ્યું જ નથી.

તમને જણાવી દઈએ કે ભારતમાં હોન્ડા સિટી કારની કિંમત 11-15 લાખ રૂપિયાની વચ્ચે છે, જ્યારે પાકિસ્તાનમાં આ જ કારની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ છે. તેવી જ રીતે, ભારતમાં જે SUV કારની કિંમત 30 લાખ છે, તેની કિંમત પાકિસ્તાનમાં એક કરોડ રૂપિયાથી વધુ છે.

મોંઘવારીનો દર 27 ટકાને વટાવી ગયો છે. પાકિસ્તાની ચલણ ડોલર સામે 25 ટકા સુધી ગબડ્યું છે. કમરતોડ મોંઘવારીથી પ્રજાની હાલત કફોડી બની છે. શાહબાઝ સરકારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 ટકાથી વધુનો વધારો કર્યો છે. વીજળીના દરમાં પણ 8 રૂપિયા પ્રતિ યુનિટના દરે વધારો કરવામાં આવ્યો છે. સરકારે ઉદ્યોગપતિઓને અપાતી સબસિડી નાબૂદ કરી છે.

(12:00 am IST)