Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વુમન પ્રીમિયર લીગ :મુંબઈ ઈન્ડિયન્સની સતત ચોથી જીત યુપી વોરિયર્સ ને હરાવ્યું :હરમનપ્રીત કૌરની ફિફટી

યુપીના 159 રનના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સે 17.3 ઓવરમાં લક્ષ્ય પાર કરતા બ્રન્ટે વિજયી છગ્ગો જમાવ્યો

મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચેની મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈએ પોતાનો દબદબો જાળવી રાખતી સતત ચોથી જીત મેળવી છે.  હરમનપ્રીત કૌરે શાનદાર રમત દર્શાવી હતી. કૌરે અણનમ અડધી સદી નોંધાવી હતી. WPL 2023 ની આ 10મી મેચ હતી. જેમાં યુપીની કેપ્ટન એલિસ હીલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. યુપીની કેપ્ટન એલિસ હીલી અને તાલિયા મેકગ્રાની અડધી-અડધી સદીની રમત વડે 159 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાને નિર્ધારીત 20 ઓવરમાં નોંધાવ્યો હતો. હીલી અને તાલિયાએ મોટી ભાગીદારી રમત રમીને પડકાર જનક સ્કોર નોંધાવ્યો હતો. 17.3 ઓવરમાં લક્ષ્ય પાર કરતા બ્રન્ટે વિજયી છગ્ગો જમાવ્યો હતો.

યુપી અને મુંબઈ બંને માટે આજની મેચ મહત્વની હતી. મુંબઈ માટે પોતાનુ વિજય અભિયાન જાળવી રાખી પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 નુ સ્થાન જાળવી રાખવાનો ઈરાદો હતો. જ્યારે યુપીને પણ પોઈન્ટ્સ ટેબલમાં પોતાનુ સ્થાન સુધારવા માટે જીત જરુરી છે. પ્રથમ બેટિંગ દરમિયાન અંતિમ પાંચ ઓવર મુંબઈના બોલરોએ સંપૂર્ણ નિયંત્રણ પૂર્વક કરીને યુપીને બાંધી રાખવામાં સફળતા મેળવી હતી. જોકે મુંબઈએ પોતાના દબદબાને જાળવી રાખ્યો હતો અને મેચને આરામથી જીતી લીધી હતી.

 

શરુઆત મુંબઈ માટે સારી રહી હતી. યાસ્તિકા ભાટીયા અને હીલી મેથ્યૂજે 58 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેની રમતે સારી શરુઆત મુંબઈને કરાવી હતી. યાસ્તિકા ભાટીયાએ 27 બોલનો સામનો કરીને 42 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. મેથ્યૂઝે 17 બોલનો સામનો કરીને 12 રન નોંધાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા નોંધાવ્યા હતા. બંનેએ સારી શરુઆત કરાવ્યા બાદ હરમનપ્રીત કૌર અને સિવર બ્રન્ટે રમતને સંભાળી લક્ષ્ય તરફ સ્કોર આગળ વધાર્યો હતો.

કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર રમત બતાવી હતી. તેણે ટીમને જીતાડવા માટે અણનમ અડધી સદી નોંધાવી હતી. 33 બોલનો સામનો કરીને હરમને 53 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. હરમનપ્રીત કૌરે નેટ સિવર બ્રન્ટ સાથે મળીને 100 થી વધુ રનની ભાગીદારી રમત કરી હતી. બ્રન્ટે અણમન 45 રનની રમત રમી હતી. તેણે આ રન 31 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. બ્રન્ટે 6 ચોગ્ગા અને 1 છગ્ગો જમાવ્યો હતો. બંને એ સુપર્બ રમત બતાવીને યુપીની વિકેટની શોધને સફળ થવા દીધી નહોતી.

(11:35 pm IST)