Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

લાલુની માંગ સ્વીકારતી કોંગ્રેસઃ બિહારમાં ૧૮ થી ૨૦ બેઠકો ઉપરથી લડશે આરજેડી

મહાગઠબંધનમાં આરજેડી સુપ્રીમોએ ધાર્યુ નિશાન પાર પાડયુઃ કોંગ્રેસને ડઝનેક બેઠકો

રાંચી,તા.૧૩:  ચૂંટણી તારીખોની જાહેરાત થઈ ગઈ છે. બિહારમાં સાત તબકકામાં મતદાન યોજાનાર છે. બધા રાજકીય પક્ષો પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ગયા ત્રણ મહિનામાં મહાગઠબંધનના મોટા નેતાઓ વચ્ચે ઘણીવાર મીટીંગ યોજાઈ હતી, પણ બેઠકોના ભાગ અંગે સહમતિ સધાઈ ન હતી.

આ દરમિયાન મહાગઠબંધનના નેતાઓએ રાંચી જેલમાં બંધ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ સાથે મુલાકાત કરી હતી પણ ખાસ કંઈ મેળવી શકયા ન હતા. કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી હોવાથી બિહારમાં પોતાનું વર્ચસ્વ બતાવવા પ્રયત્નો કરી રહી હતી. કોંગ્રેસે આરજેડી સામે જેડીયુ અને ભાજપના તર્જ ઉપર બરાબર બેઠકો ઉપર ચૂંટણી લડવાની વાત પકડી રાખી હતી. એવામાં કેટલીયવાર કોંગ્રેસ રાબડી દેવીના ઘરે મીટીંગ કરી પણ વાતચિતમાં કોઈ નિર્ણય આવેલ નહિ.

ચૂંટણી જાહેર થતા કોંગ્રેસ વિના જ રાબડી દેવીના ઘરે એક બેઠક મળેલ, જેમાં ગઠબંધનના બધા નેતાઓ હાજર હતા. કોંગ્રેસના નેતાઓને આ બેઠક અંગે જાણ પણ કરવામાં ન આવેલ. સૂત્રોના જણાવ્યા મુજબ આ મીટીંગ કોંગ્રેસ સાથેની આરપારની લડાઈ માટે હતી. ત્યાર બાદ લાલુએ કોંગ્રેસને અલ્ટીમેટમ આપેલ કે જો ૪ દિવસમાં કોંગ્રેસ ૧૦ થી ૧૨ બેઠકો ઉપર રાજી નહીં થાય તો રસ્તા અલગ થઈ જશે.

લાલુના અલ્ટીમેટમ બાદ કોંગ્રેસના નેતાઓએ બિહાર કોંગ્રેસના નેતાઓની મીટીંગ બોલાવી છે, પણ આ પહેલા જ લાલુની ફોર્મ્યુલા ઉપર કોંગ્રેસ રાજી થઈ ગઈ છે. નવા ફોર્મ્યુલામાં આરજેડી- ૧૮ થી ૨૦, કોંગ્રેસ ૧૦ - ૧૨ ઉપર ચુંટણી લડનાર છે. જયારે આરએલએસપી-૩, વીઆઈપી- ૧, શરદ યાદવ- ૧, માંઝી-૧ અને સીપીએમ/ સીપીઆઈ-૨ બેઠકો ઉપર ચૂંટણી લડશે.

(3:57 pm IST)