Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

પાટીદાર સમાજનો મહત્વનો નિર્ણયદીકરા જ નહિ દીકરી - પુત્રવધૂને પણ વંશાવલીમાં સ્થાન

સ્ત્રી સન્માનની એક ઉત્તમ મિસાલ કાયમ કરી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી પ્રારંભ

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાતના વડોદરા - આણંદના છ ગામના પાટીદારોએ હવે પોતાની દીકરીઓ અને પુત્રવધૂને પણ વંશના આંબામાં સ્થાન આપવાનું નક્કી કરી સ્ત્રી સન્માનનું એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

તમે પણ કદાચ તમારા પરીવારનો આંબો જોયો હશે. પરીવારનો આંબો એટલે કે વંશાવલીને દર્શાવતું પ્રતિકાત્મક આંબાનું વૃક્ષ જેના ફળ તરીકે કોના વંશમાં કોણ જન્મ્યું હતું તેની માહિતી સાચવવામાં આવે છે. જોકે આ આંબામાં મોટાભાગે વંશને આગળ વધારનાર તરીકે પુત્રને જ ગણવામાં આવે છે અને એટલે કોઇના સંતાન તરીકે જો પુત્ર હોય તો જ તેની શાખ આગળ વધારાય છે. પરંતુ છ ગામ પાટીદાર સમાજ દ્વારા હવે પોતાની દીકરીઓ અને પુત્રવધુને પણ આ આાંબામાં સ્થાન આપી  સ્ત્રી સમ્માનની એક ઉત્ત્।મ કામગીરી રજૂ કરવામાં આવી છે.

હવે છ ગામ પાટીદાર સમાજ જેમાં ધર્મજ, નડિયાદ, સોજિત્રા, ભદ્રન, વાસો અને કરમસદ ગામના પાટીદારોનો સમાવેશ થાય છે. તેમના દ્વારા દુનિયામાં ખૂણે ખૂણે ફેલાયેલ આ ૬ ગામના પાટીદારોની વંશાવલી દર્શાવતો આંબો પાટીદાર અગ્રણી મોતિભાઈ અમિન દ્વારા તૈયાર કરવા માટે ખાસ પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. જેમાં તેમણે દીકરીઓ અને પુત્રવધુના નામ પણ આ નવા આંબામાં ઉમેરવાનું નક્કી કર્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે NRG ટાઉન તરીકે ઓળખાતા ધર્મજમાં આ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. જેના માટે ધર્મજ ગામની મહિલા ટીમે પિંક ડ્રેસ પહેરી આ અંગેની જાણકારી આપતા પિંક કલરના પત્રો વહેંચ્યા હતા.

ગત વર્ષે જ છ ગામ પાટીદાર સમાજ અને વાસો ગામના નિવાસી અગ્રણી અમિનભાઈની પહેલ દ્વારા ૧૯૨૪માં પહેલીવાર તૈયાર કરવામાં આવેલ પોતાના વંશાવલી આંબાને અપડેટ કરવામાં આવ્યો હતો. જોકે આ અપડેટેડ પારીવારિક વંશાવલીમાં ફકત પુરૂષોના જ નામ હતા. ધર્મજ ડે સેલિબ્રેશન કમિટીના રાજેશ પટેલે કહ્યું કે, આ વંશાવલીને જોઈને મારી દીકરી ધન્વીએ મને પુછ્યું કે શું હું તેને મારા પુત્ર રશાંગની સમોવડી નથી ગણતો. તેના આ સવાલથી મને નવો આંબો બનાવવા અને તેમાં દીકરીઓ અને પુત્રવધુના નામ ઉમેરવાનો વિચાર આવ્યો.

પાછલા ૧૩ વર્ષથી ચરોતરમાં ધર્મજ દિવસની ઉજવણી કરતી આ કમિટીના સભ્ય એવા રાજેશભાઈએ વધુમાં કહ્યું કે, 'હાલ વંશાવલીનું વજન ૩.૫ કિલોનું છે. જેને લઇને અમે ઘર-ઘર ફરી રહ્યા છીએ અને અપડેટ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમને અમે DD to DD એટલે કે ડોટર્સ એન્ડ ડોટર્સ ઇન લો ફોર ધર્મજ ડે' એવું નામ આપ્યું છે.

આગામી ૧૪માં ધર્મજ ડેનું સેલિબ્રેશન પિંક પાવર આધારીત યોજાશે જેમાં સમગ્ર ઈવેન્ટનું આયોજન સંપૂર્ણ મહિલા ટીમ દ્વારા જ કરવામાં આવશે. તેમજ અમેરિકાથી આવેલા અશોક પટેલ પણ હાલ તેમના સમાજના આ ફીઝીકલ વંશાવલીના આંબાને ડિજિટલ સ્વરૂપ આપવા માટે પાછલા ૨ વર્ષથી કામ કરી રહ્યા છે. હાલ ધર્મજની વસ્તી ૧૦૦૦૦ જેટલી હશે પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ અહીંના પટેલો દ્વારા જે રીતે ગામની કાયાપલટ કરવામાં તેના કારણે ગુજરાત જ નહીં દેશમાં પણ જાણીતું બન્યું છે.

(11:54 am IST)