Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

BSNL ઠનઠન ગોપાલઃ કર્મચારીઓનો પગાર અટકયો

BSNLના ઇતિહાસમાં પહેલીવાર પૈસા ન હોવાના કારણે ૧.૭૬ લાખ કર્મચારીઓનો ફેબ્રુ.નો પગાર અટકયોઃ કર્મચારીઓમાં ભભુકતો રોષઃ પાડાના વાંકે પખાલીને ડામ શા માટે? ૨૦૧૮ની કંપનીની ખોટ રૂ. ૮૦૦૦ કરોડ

નવી દિલ્હી તા.૧૩: સરકાર હસ્તકની  BSNL હાલ ખરાબ દિવસોનો સામનો કરી રહ્યું છે. BSNL નાણાકીય મુશ્કેલીઓને કારણે પોતાના લગભગ ૧.૭૬ લાખ કર્મચારીઓનો ફેબ્રુઆરીનો પગાર ચુકવવામાં નિષ્ફળ રહ્યું છે. આવું પહેલીવાર બનવા પામ્યું છે. કોંગ્રેસના શાસનમાં રૂ. ૧૦,૦૦૦ કરોડનો નફો કરતી આ કંપનીએ ૨૦૧૮માં ૮૦૦૦ કરોડનું નુકશાન કર્યું છે જે તપાસનો વિષય બની શકે છે. કાતિલ હરિફાઇ ટેલીકોમ ક્ષેત્રે પ્રવર્તી રહી છે અને 4G-5Gની વાતો થાય છે ત્યારે આ કંપની 3Gમાં હજુ રચે છે. જાણી જોઇને આ સરકારી કંપનીને ગળે ટુંપો દેવાનું ષડયંત્ર ઘડાયું હોય તેવું લાગે છે. સરકારની નીતિનો ભોગ કર્મચારીઓ બન્યા છે અને તેઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

કર્મચારીઓના પગાર અટવાયા હોય એવું પહેલીવાર બન્તા કર્મચારી સંઘોએ દૂરસંચાર મંત્રી મનોજસિંહાને પત્ર લખી માંગણી કરી છે કે વેતન આપવા માટે તથા કંપનીને ફરી દોડતી કરવા માટે ફંડ જારી થવું જોઇએ. સરકારની નીતિના વિરોધમાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શન પણ કરી રહયા છે.

BSNL ની આવકના પપ ટકા રકમ પગાર પાછળ જાય છે. અને કંપનીનું વેતન બીલ દર વર્ષે ૮ ટકા વધે છે. હવે આવક ઘટી રહી છે. જીયોના આગમને કારણે કંપનીને જોરદાર ફટકો લાગ્યો છે. અને નાણાકીય હેલ્થ બગડી ગઇ છે.

જો કે કેરળ, જમ્મુ, ઓડીશા અને કોર્પોરેટ કાર્યાલયમાં વેતન ચુકવવાનું શરૂ થયું છે સત્તાવાર સૂત્રો કહે છે કે જેમ જેમ આવક થતી જશે તેમ તેમ વેતન ચુકવવાનું શરૂ થશે.

સૂત્રો કહે છે કે હવે માર્ચનો પગાર થવા આડે થોડા દિવસો બાકી છે ત્યારે સરકારે તત્કાલ પગલા લેવા જોઇએ.

BSNLની ખોટ દર વર્ષે વધતી જાય છે. ૨૦૧૭માં ૪૭૮૬ કરોડની ખોટ હતી જે ૨૦૧૮માં રૂ. ૮૦૦૦ કરોડ થઇ ગઇ છે.

(11:53 am IST)