Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

મોદી વિ. સોનિયાઃ આજે ડિનર ડિપ્લોમસી

માયાવતી - મમતા - અખિલેશની ગેરહાજરીઃ તેમના દૂતો હાજરી પૂરાવશેઃ વિપક્ષી મોરચા માટે જબ્બર પ્રયાસોઃ રાહુલનું નેતૃત્વ સ્વિકારવામાં હિચકિચાટ જોઇ ૨૦૧૯ સુધી મોરચાનું નેતૃત્વ સંભાળવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સાબદા બન્યા

નવી દિલ્હી તા. ૧૩ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીએ આજે તેમના નિવાસ સ્થાને તમામ વિરોધ પક્ષના નેતાઓને રાત્રી ભોજન માટે નિમંત્ર્યા છે. ભાજપના એકધારા આગળ વધી રહેલા વિજયી અશ્વને રોકવા વિપક્ષોને એકતાંતણે બાંધવા આ ડીનર બેઠકમાં વિચાર વિમર્સ થશે.

આ ડિનર પૂર્વેની બેઠકોમાં ૧૮ પક્ષોના નેતા અથવા તેમના દૂતો ઉપસ્થિત રહેવાના છે ત્યારે ઉ.પ્ર.માંથી સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પક્ષના બહેન માયાવતી, બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી અને મહારાષ્ટ્રના એનસીપી પક્ષના મુખીયા અને પૂર્વ સંરક્ષણ મંત્રી શરદ પવારે હાજર રહેવા હજુ સુધી કોઇ હકારાત્મક જવાબ આપ્યો નથી.

વડાપ્રધાન મોદીનો સામનો કરવા માટે તમામ વિરોધ પક્ષોના નેતાઓનું ગઠબંધન સિવાય બીજો કોઇ શ્રેષ્ઠ ઉપાય નથી એ સહુ સમજે છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે, સમયની માંગ છે કે સહુ સાથે મળીએ, આજે ત્રીજા - ચોથા મોરચાનો કોઇ મતલબ નથી.

એ વાત જાણીતી છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વને લઇને પવાર અને મમતા જેવા નેતાઓના મનમાં એક ઉચાટ - તનાવ છે. આ જોતા સોનિયા ગાંધી ૨૦૧૯ સુધી આ સંભવીત મહાજોડાણની કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે.

મમતા બેનરજી તરફથી તેમના દૂતો ડેરેક ઓ બ્રાયન અને સુદીપ બેનર્જી આ બેઠકોમાં સામેલ રહેશે. આમ મમતાએ અંતર જાળવી રાખ્યું છે તો માયાવતીએ હજુ પોતાના પાના ખોલ્યા નથી.

આજે રાત્રે આ ડિનરમાં આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રે તેજસ્વી યાદવ સામેલ થનાર છે. એનડીએ સાથે છેડો ફાડી ચુકેલા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને પણ આ બેઠકમાં ઉપસ્થિત થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ તરફથી આયોજીત આ ડિનર પાર્ટીમાં વિપક્ષના કોણ કોણ નેતા સામેલ થશે તેને લઇને મહત્વપૂર્ણ છે. કારણ કે, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ એનડીએથી અલગ થઇને બિન ભાજપ, બિન કોંગ્રેસ ગઠબંધન બનાવવાનો સંકેત આપી દીધો છે. એટલું જ નહી આના નેતૃત્વ માટે પણ તૈયારી બતાવી છે. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પણ આમા સામેલ થવા માટે આગળ આવી ચૂકયા છે. મમતા બેનર્જી પોતે પોતાના સ્તર પર ભાજપને હરાવવા માટે ત્રીજા મોરચાનું નેતૃત્વ કરવા માંગે છે.

આજે મોડી સાંજે યોજાયેલ ડિનર બેઠક પછી ઘણી બાબતો કલીયર થઇ જશે. પરંતુ ભાજપ અને મોદી જુવાળની વચ્ચે અત્યારે તો કોંગ્રેસ અને બીજા તમામ પક્ષોએ સહુથી શ્રેષ્ઠ વિકલ્પ - મહાગઠબંધન ઉપર કામ શરૂ કરી દીધું છે.

જોકે સોનિયાજીના દૂતો છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે કે, કમ સે કમ શરદ પવાર અને મમતા બેનરજી આજના રાત્રી ભોજનમાં સામેલ થાય પરંતુ હજુ સુધી સફળ થયા નથી. જોકે આ તમામ નેતાઓ તેમના દૂતો મોકલવા રાજી થયા છે.(૨૧.૫)

(10:16 am IST)