Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સિટિઝનશીપ બિલ, ત્રિપલ તલાક બિલ અટવાઈ પડ્યા

બિલને પાસ કરવાનો સરકારનું સપનુ અધુરૂ : રાજ્યસભામાં નાણાં બિલ, રાષ્ટ્રપતિ ભાષણ પર આભાર પ્રસ્તાવ પાસ : રાજ્યસભા અચોક્કસ મુદ્દત માટે મુલતવી

નવી દિલ્હી, તા. ૧૩ : રાષ્ટ્રપતિના ભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ અને વચગાળાના બજેટને પાસ કરવામાં આવ્યા બાદ આજે રાજ્યસભાની કાર્યવાહીને અચોક્કસ મુદ્દત માટે મોકૂફ કરી દેવામાં આવી હતી. આની સાથે જ ત્રિપલ તલાક બિલ અને સિટિઝનશીપ બિલને પાસ કરાવવાનું સરકારનું સપનું અધુરુ રહી ગયું હતું. આ બિલ રજૂ થઇ શક્યા ન હતા. ત્રિપલ તલાક બિલને લઇને રાજકીય ચર્ચા છેડાયેલી છે. કોંગ્રેસ પાર્ટી તરફથી હાલમાં જ કહેવામાં આવ્યું છે કે, જો તેમની સરકાર આવશે તો ત્રિપલ તલાક બિલને ખતમ કરી દેવામાં આવશે. રાજ્યસભામાં નાણાં બિલ અને રાષ્ટ્રપતિના ભાષણ ઉપર આભાર પ્રસ્તાવના પણ ચર્ચા વગર પસાર કરી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના ભાષણ ઉપર ચર્ચા માટે ૧૦ કલાક, બજેટ પર આઠ કલાક અને બે બિલ પર ચર્ચા માટે બે કલાક રાખવામાં આવ્યા હતા પરંતુ આજે અંતિમ દિવસે ૨૦ મિનિટમાં ચર્ચા વગર પસાર કરી દેવામાં આવ્યા હતા. ૧૯૯૧ અને ૧૯૯૬માં રાજકીય કારણોથી આભાર પ્રસ્તાવ પાસ થઇ શક્યો ન હતો. સંસદે બુધવારના દિવસે મોદી સરકારના છઠ્ઠા અને અંતિમ બજેટને પસાર કરી દીધું હતું જેમાં પાંચ લાખ રૂપિયા સુધીની કમાણીવાળા લોકોને આવકવેરામાં છુટછાટ આપવામાં આવી હતી. આની સાથે જ બજેટમાં નાના ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની મદદ અને બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર માટે પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભાથી સંબંધિત બિલ અને નાણા બિલને પૂર્ણ ચર્ચામાં પસાર કરવામાં આવ્યું છે. અંતિમ દિવસે બુધવારના દિસે રાજ્યસભાથી આને ચર્ચા વગર પસાર કરવામાં આવ્યા હતા. બંધારણની કલમ ૮૨ના ક્લોઝ-૨ હેઠળ સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિના ભાષણ ઉપર ચર્ચા કરીને પ્રસ્તાવ પસાર કરવાની પરંપરા હોય છે. રાષ્ટ્રપતિનું ભાષણ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે અને આ સરકારની પોલિસીની જેમ હોય છે. રાજ્યસભામાં ૧૩ દિવસ સુધી ચાલેલા બજેટ સત્ર દરમિયાન રાફેલ ડિલથી લઇને સિટિઝનશીપ બિલને લઇને વિપક્ષી નેતાઓએ ધાંધલ ધમાલ કરી હતી. આના કારણે કામગીરી ખોરવાઈ ગઈ હતી. અંતિમ દિવસે આજે રાજકીય પક્ષો વચ્ચે આને લઇને સહમતિ થઇ હતી કે, વચગાળાનું બજેટ અને રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવને ચર્ચા વગર પસાર કરવામાં આવે. નાણા બિલને પણ પસાર કરી દેવામાં આવ્યું હતું. આજે છેલ્લા દિવસે અનેક મુદ્દા પર સહમતિ જોવા મળી હતી.

(7:38 pm IST)