Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રાફેલઃ NDAએ UPA કરતા કરી મોંઘી ડીલઃ મનમોહન વખતનો સોદો સારો હતો

રાફેલની સોદાબાજીમાં સામેલ સંરક્ષણ મંત્રાલયના ૩ વરિષ્ઠ અધિકારીઓના હવાલાથી ધ હિન્દુનો નવો ધડાકોઃ યુપીએ કરતા મોદી સરકારે મોંઘી ડીલ કરીઃ અધિકારીઓએ નારાજી અંગેની નોંધ પણ મોકલી હતી ઃ એનડીએ સરકારના સોદાથી બહેતર શરતો યુપીએના સોદામાં હતીઃ મોદી સરકારના રાફેલ સોદાને લઈને ત્રણેય અધિકારીઓએ ચિંતા પણ દર્શાવી હતીઃ અધિકારીઓની નોંધ મોદી સરકારના દાવાને નકારી કાઢતા હોવાનો પણ ખુલાસો

નવી દિલ્હી, તા. ૧૩ ઃ. ફ્રાન્સ સાથે થયેલા રાફેલ લડાકુ વિમાન સોદા પર થઈ રહેલા ખુલાસા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે મુસીબત બની રહ્યા છે. અંગ્રેજી અખબાર ધ હિન્દુએ આજે એવોે સનસનીખેજ ધડાકો કર્યો છે કે, નરેન્દ્ર મોદી સરકારથી મનમોહન સિંહની યુપીએ સરકારનો સોદો સારો હતો. યુપીએથી મોદી સરકારે મોંઘી ડીલ કરી છે. અંગ્રેજી અખબારે એવો દાવો કર્યો છે કે મોદી સરકારે રાફેલને લઈને જે સોદો કર્યો છે તે યુપીએ સરકારને મુકાબલે બહેતર શરતો અને કિંમત પર નથી. સોદાની વાતચીતમાં સામેલ ૩ વરિષ્ઠ અધિકારીઓના ડીસેન્ટ નોટથી આ ખુલાસો થયો છે. આ અધિકારીઓએ આકરો વિરોધ કરતી એક નોંધ પણ મોકલી હતી.

અખબારના જણાવ્યા પ્રમાણે ભારતીય નેગોસીએશન ટીમમાં કુલ ૭ લોકો સામેલ હતા. જેમાંથી ૩ વરિષ્ઠ નિષ્ણાંતોનું સ્પષ્ટ માનવુ હતુ કે, ફલાઈવે કન્ડીશનમાં ૩૬ રાફેલ વિમાન મેળવવાનો મોદી સરકારનો સોદો યુપીએ સરકાર દ્વારા દસો એવીએશનથી ૧૨૬ વિમાન ખરીદવાના પ્રસ્તાવથી બહેતર શરત પર નહોતો. આ અધિકારીઓએ એવુ તારણ રાખ્યુ હતુ કે, નવા સોદામાં ૩૬ રાફેલ વિમાનના પહેલા ચરણમાં ૧૮ વિમાન મોકલવાનું શિડયુલ પણ યુપીએ સરકાર દરમ્યાન મળેલ પ્રસ્તાવની સરખામણીમાં સૂસ્ત હતું.

ધ હિન્દુના અહેવાલમાં જણાવાયુ છે કે અધિકારીઓના આ તારણ મોદી સરકારના બે મહત્વના દાવાઓને ફગાવી દે છે. પહેલુ એ કે આ સોદો સસ્તો છે અને બીજુ એ છે કે તેની મળવાની પ્રક્રિયા પહેલાના મુકાબલે ઝડપી છે. સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ આ દાવા કર્યા છે. ત્રણેય અધિકારીઓએ આ ડીલ હેઠળ ભારત સરકાર દ્વારા સોવરેન ગેરંટીની જગ્યાએ લેટર ઓફ કમ્ફર્ટનો સ્વીકાર કરવા, ઈન્ટર સરકારી સમજુતી સાથે જોડાયેલી કાનૂની બાબતો, ઓફસેટના મામલા અને દસો એવીએશનના પ્રતિબંધાત્મક વ્યાપાર બાબતો અંગે પણ ગંભીર ચિંતા વ્યકત કરી હતી.

સોદાની વાતચીતમાં સામેલ સંરક્ષણ મંત્રાલયના આ ત્રણ અધિકારીઓ હતા. એડવાઈઝર એમ.પી. સિંહ, ફાયનાન્સીયલ મેનેજર એ.આર. સુલે અને એકવીઝીશન મેનેજર રાજીવ વર્મા આ ત્રણેય અધિકારીઓએ વાતચીતની પ્રક્રિયા પુરી થવા પર ૧લી જૂન ૨૦૧૬ના રોજ ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફને એક વિરોધ નોંધ મોકલી હતી. ડે. ચીફ આ વાતચીતની ટીમનુ નેતૃત્વ કરતા હતા. અખબારે આ ૮ પાનાની પુરી ડીસન્ટ નોટ પણ પ્રકાશિત કરી છે.

ખબર અનુસાર વાતચીત કરનાર ભારતીય ટીમ એક નિશ્ચિત બેન્ચ માર્ક કિંમત નક્કી કરવા માંગતી હતી પરંતુ ફ્રાન્સે તેને વધતા રહેવાનું ફોર્મ્યુલામાં બદલી નાખી હતી. કિંમત લગભગ ૫૫ ટકા વધુ હતી.(૨-૮)

 

 

 

(11:19 am IST)