Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ભારત માનવસહિતના અવકાશ અભિયાનની તરફ આગળ વધવાના મૂડમાઃસામાન્ય માણસને અંતરિક્ષમાં મોકલવાની ભારતે તૈયારી શરૂ કરી

ભારત તેના પ્રથમ માનવસહિતના અવકાશ અભિયાનના સપનાને સાકાર કરવા માટે સજ્જ છે.

આ યોજના મુજબ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો) ડિસેમ્બર 2021માં માનવસહિતનું પ્રથમ મિશન અવકાશમાં મોકલશે.

માત્ર વૈજ્ઞાનિકોને જ નહીં, સામાન્ય નાગરિકને પણ અવકાશમાં જવાની તક મળશે.

ઈસરોના વડા ડૉ. કે. સિવનના કહેવા પ્રમાણે, આ માટેની પસંદગી પ્રક્રિયા ભારતીય વાયુદળ મારફત હાથ ધરવામાં આવશે.

ડૉ. સિવનના કહેવા પ્રમાણે, "સામાન્ય નાગરિકો પણ ઉમેદવારી કરી શકશે. પસંદગીનો મુખ્ય આધાર અવકાશયાત્રા કરવાની માનસિક ક્ષમતા ઉપર રહેશે."

રૂ. 9,023 કરોડના ખર્ચે નિર્મિત માનવ અંતરીક્ષ ઉડ્ડયન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યા બાદ ડૉ. સિવને આ વાત કહી હતી. અહીં માનવસહિતના અવકાશ મિશન માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવશે.

ડૉ. ઉન્નીકૃષ્ણન નાયરને આ ઉડ્ડયન કેન્દ્રના વડા તરીકે નીમવામાં આવ્યા છે, જ્યારે ડૉ. આર. હટનને ગગનયાન યોજનાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

ગત વર્ષે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા ઉપરથી દેશની જનતાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન યોજનાની જાહેરાત કરી હતી.

ડૉ. સિવનના કહેવા પ્રમાણે, "ચાલુ વર્ષે ગગનયાન પ્રોજેક્ટ ઈસરોની પ્રાથમિક્તાની યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે."

"ભારત ડિસેમ્બર 2020 સુધીમાં પ્રથમ માનવ રહિત મિશન અવકાશમાં મોકલવા ધારે છે. આવી બીજી યોજના જુલાઈ 2021માં હાથ ધરવામાં આવશે."

"બંને મિશનમાં સફળતા મળશે એટલે ડિસેમ્બર 2021માં માનવસહિતની યોજના હાથ ધરવામાં આવશે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં વર્ષ 2022 સુધીમાં અંતરીક્ષમાં ભારતીયને મોકલવાની વાત કહી હતી.

ઈસરો વર્ષ 2022ની શરૂઆત પહેલાં જ આ મિશનને પૂર્ણ કરવા માગે છે.

ડૉ. સિવનના કહેવા પ્રમાણે, ઈસરો કોઈ મહિલાને અંતરીક્ષમાં મોકલવા માગે છે.

ડૉ. સિવનના કહેવા પ્રમાણે, "અમે ઇચ્છીએ છીએ કે કોઈ મહિલા વૈજ્ઞાનિક અવકાશમાં જાય. અમે પુરુષ અને મહિલા એમ બંને વૈજ્ઞાનિકોને તાલીમ આપીશું."

"વડા પ્રધાને ભાઈઓ અને બહેનોનો ઉલ્લેખ કર્યો હતો, અમે તેને પૂર્ણ કરવા ઇચ્છીએ છીએ. આ માટે તાલીમ તથા અન્ય જરૂરી ચીજોની વ્યવસ્થા કરવામાં આવશે."

ઈસરોના પૂર્વ વડા એ. એસ. કિરણ કુમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ માટે ઉમેદવારી પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

(1:00 pm IST)