Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

લાલુ પ્રસાદની કિડની 25 ટકા જ કામ કરે છે : ડાયાલિસિસ કરાવવાની જરૂર પડી શકે : ડૉક્ટરએ આપી જાણકારી

કિડનીનું ક્રિએટિનિન લેબલ સતત વધી રહ્યુ છે : રિમ્સમાં એડમિટ થતા સમયે 53 ટકા કામ કરી રહી હતી લાલુની કિડની

રાંચી :ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા રાજદ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનું સ્વાસ્થ્ય ફરી બગડ્યુ છે. રાંચીની રિમ્સ (RIMS)ના પેઇંગ વોર્ડમાં સારવાર હેઠળ રહેલા લાલુ પ્રસાદ યાદવની કિડનીનું ક્રિએટિનિન લેબલ સતત વધી રહ્યુ છે. લાલુની કિડની 25 ટકા જ કામ કરી રહી છે. શનિવારે લાલુની સારવાર કરી રહેલા ડૉક્ટર ઉમેશ પ્રસાદ યાદવે જાણકારી આપતા જણાવ્યુ કે આગામી કેટલાક દિવસ સુધી સ્થિતિ આવી જ રહી તો લાલુ પ્રસાદને ડાયાલિસિસ કરાવવાની જરૂર પડી શકે છે.

લાલુની સારવાર કરી રહેલા ડૉ. ઉમેશ પ્રસાદે જણાવ્યુ કે છેલ્લા કેટલાક દિવસથી લાલુ પ્રસાદ ઘણા ચિંતિંત અને પરેશાન છે, તેમની કિડની 25% ફંક્શન કરી રહી છે. એવામાં ક્યારેય પણ તેમની કિડની કામ કરવાનું બંધ કરી શકે છે. અમે લેખિતમાં આ મામલે રિમ્સના ઉચ્ચ અધિકારી અને સરકારને જાણ કરી છે.

ડૉક્ટર અનુસાર, લાલુ પ્રસાદ યાદવનું બ્લડ શુગર પણ વધ્યુ છે, માટે સારી સારવારની જરૂર છે. ઉમેશ પ્રસાદે કહ્યુ કે જો જરૂર પડે છે તો લાલુ યાદવની સારવાર માટે બહારથી પણ ડૉક્ટર બોલાવવામાં આવી શકે છે. જાણકારી અનુસાર, રિમ્સમાં એડમિટ થતા સમયે લાલુની કિડની 53 ટકા કામ કરી રહી હતી પરંતુ હવે માત્ર 25 ટકા જ કિડની કામ કરી રહી છે. છેલ્લા 2 વર્ષમાં કિડનીના કામ કરવાના દરમાં ઘટાડો થયો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે રિમ્સમાં લાલુ પ્રસાદ યાદવ સાથે શનિવારે મુલાકાત કરી હતી. તે બાદ પત્રકારો સાથે વાત કરતા પૂર્વ મંત્રીએ કહ્યુ કે આરજેડી અધ્યક્ષના સ્વાસ્થ્યમાં ઘટાડાના સમાચાર સાંભળીને તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા આવ્યા હતા. લાલુ પ્રસાદની ખરાબ સ્થિતિ અંગે કેટલાક લોકો કહી રહ્યા છે કે રાજકારણ બાજુ પર મુકીને તેમણે જલ્દી જામીન આપવા જોઇએ.

(10:03 pm IST)