Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

૬-૮ મહિનામાં ૬૦ કરોડ લોકોને વેકસીન મૂકવાની તૈયારી

ભારતમાં ૩ વેકસીનનાં ઉમેદવારોને ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરવાની અનુમતિ પર વિચાર કરાઈ રહ્યો છે

નવી દિલ્હી, તા.૧૨: ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ પહેલાં જ એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ શોટનો સ્ટોક તૈયાર કરી રહી છે જયારે ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા પોતાની વેકસીન તૈયાર કરી રહી છે. ભારતમાં આવનારા ૬-૮ મહિનામાં ૬૦ કરોડ લોકોને વેકસીન આપવાની તૈયારી પૂરી થઈ ચૂકી છે.

કોરોના વાયરસની વિરુદ્ઘમાં દેશમાં જલ્દી વેકસીન આવી શકે છે. પીએમ મોદીએ પણ આ વાતની આશા દેખાડી છે. વેકસીન તૈયાર થયા બાદ નાગરિકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. ભારતે આવનારા ૬-૮ મહિનામાં ૬૦ કરોડ લોકો સુધી વેકસીન પહોંચાડવાની વ્યવસ્થા કરી લીધી છે. ભારતમાં ૩ વેકસીનનાં ઉમેદવારોને ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરવાની અનુમતિ પર વિચાર કરાઈ રહ્યો છે.

વીકે પોલ કહે છે કે સરકારે ૨-૮ ડિગ્રી સુધીના કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરી લીધા છે. મળતી માહિતી અનુસાર વેકસીનના ૪ ઉમેદવાર છે જેમાં સીરમ, ભારત, જાયટર અને સ્પૂતનિકને  સામાન્ય કોલ્ડ ચેનની જરૂર છે. મને આ વેકસીનમાં કોઈ તકલીફ દેખાતી નથી.

ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ પહેલાં જ એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ શોટનો સ્ટોક કરી ચૂકી છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની પોતાની વેકસીન તૈયાર થઈ રહી છે. રશિયાની વેકસીન સ્પૂતનિક ૫ના દર વર્ષે ૧૦ કરોડ ડોઝની ડીલ છે. જલ્દી કોઈ વેકસીનને ઈમરજન્સી અપ્રૂવલ મળવાની સંભાવના છે.

ભારતમાં રેગ્યુલેટર્સ ફાઈઝર, એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેક ની વેકસીન પર વિચાર કરી રહ્યા છે. ફાઈઝર માટે -૭૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી છે. જેના કારણે ભારતમાં તેનો ઉપયોગ સીમિત રહેશે. સરકાર મોર્ડના સાથે પણ સંપર્કમાં છે. ખાસ વાત એ છે કે આ વેકસીનને પણ વધારે કોલ્ડ સ્ટોરેજની જરૂર છે.

સરકાર ૩૦ કરોડ લોકોને વેકસીન લગાવવાની યોજના તૈયાર કરી ચૂકી છે. તેમાં ૨૬ કરોજ લોકો ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના  હશે, ૧ કરોડ લોકો ૫૦ વર્ષથી ઓછી ઉંમરના અને ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. જયારે ૩ કરોડ લોકો ફ્રન્ટલાઈન વર્કર હશે.

(3:47 pm IST)