Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

નવા કૃષિ કાયદા ગેરબંધારણીય : દેશના 78 પૂર્વ IAS-IPS ઓફિસરોએ સરકારને ખુલ્લો પત્ર લખ્યો

કાયદાઓનો વિરોધ કર્યો તેમને 'દેશદ્રોહી', 'પાકિસ્તાની', 'ખાલીસ્તાની', 'અર્બન નક્સલ' જેવા ઉપનામો આપી દેવાયા : ચર્ચા અને ટીકા જેવા લોકશાહીના પાયાઓને જોખમમાં મુકાયા

નવી દિલ્હી : ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે વાટાઘાટો પછી પણ ખેડૂત આંદોલનનો કોઈ ઉકેલ આવી શક્યો નથી.આ દરમિયાન દેશના નિવૃત્ત IAS અને IPS અધિકારીઓના એક જૂથે ખેડૂતોનું સમર્થન કરીને આ નવા કૃષિ કાયદાને ગેરબંધારણીય ગણાવ્યા છે. તેમણે આ મુદ્દે કેન્દ્રને એક ઓપન લેટર એટલે કે પત્ર લખ્યો છે.

અમે દેશના નિવૃત્ત અધિકારીઓનું સંઘઠન છીએ. અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે કામ કર્યું છે. અમે કોઈ પાર્ટીના સમર્થનમાં નથી અને ફક્ત દેશ અને બંધારણને વફાદાર છીએ.

છેલ્લા થોડા સમયથી દેશના ખેડૂતો, ટ્રેડ યુનિયન, વિદ્યાર્થી સંગઠનો, શિક્ષકોના એસોસિએશન અને રાજકીય પક્ષો સરકારે લાગુ કરેલ 3 કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ માટે 8 ડિસેમ્બરે લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું હતું. અહીં અમે બિલના ફાયદા ગેરફાયદાઓ વિષે ચર્ચા કરવા નથી માંગતા. અમે અહીં કેવી રીતે બંધારણીય પ્રક્રિયાનું ઉલ્લંઘન થાય છે તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ.

સૌપ્રથમ તો આ કાયદાઓના ખરડાને ભયંકર મહામારી દરમિયાન પસાર કરવામાં આવ્યા. આ ખરડાના નિર્માણ માટે કોઈ ખેડૂત પાસેથી સૂચનો લેવામાં ન આવ્યા. આ બિલને સંસદની કમિટીમાં મોકલવાની દરખાસ્તને સરકારે ફગાવી દીધી.

આ ખરડાની ચર્ચા માટે સંસદમાં કોઈ સમય ફાળવવામાં ન આવ્યો. બંને ગૃહમાં ભારે હોબાળા વચ્ચે ખાલી બિલોને વાંચીને પસાર કરી દેવાયા. આ ઉપરાંત વિપક્ષે વોક આઉટ કરી દીધું એવા સમયે લેબર લો પાસ કરી દેવાયા. શું આ કાયદાઓ એટલે પસાર કરાયા હતા કારણ કે કોરોના અને લોકડાઉનને કારણે તેમનો વિરોધ ન કરી શકાય?

આ કાયદાને જેમ કલમ 370ને હટાવવી, નોટબંધી, CAA, લોકડાઉન જેવા કાયદાઓમાં એક સમાનતા એવી છે કે આ બધી પ્રક્રિયાઓ નિષ્ણાતોને કન્સલ્ટ કર્યા વગર અચાનક જ થોપી દેવાઈ અને જેમણે આ કાયદાઓનો વિરોધ કર્યો તેમને 'દેશદ્રોહી', 'પાકિસ્તાની', 'ખાલીસ્તાની', 'અર્બન નક્સલ' જેવા ઉપનામો આપી દેવાયા. આમ ચર્ચા અને ટીકા જેવા લોકશાહીના પાયાઓને જોખમમાં મુકવામાં આવ્યા છે.

લાખોની સંખ્યામાં ઠંડીમાં બેઠેલા અને કોરોનાના જોખમમાં રહેલા ખેડૂતો જયારે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે તેમના બંધારણીય અધિકાર સામે ટીયર ગેસના શેલ અને વોટર કેનન ચલાવવામાં આવ્યા અને હાઈવેના રસ્તાઓ ખોદી નખાયા.

આ પ્રદર્શનની આટલી તીવ્રતા છતાં કેટલાક મીડિયા હાઉસ તેની સાચી અસરકારકતા અને ખેડૂતોનો સાચો મત પ્રદર્શિત નથી કરી રહ્યાં. અમે પૂર્વ અધિકારીઓ તરીકે બંધારણીય સ્વતંત્રતાના હિમાયતી છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે તેઓ સંસદની અંદર અને બહાર સંવાદ જાળવીને લોકશાહીનું સન્માન કરે 

(12:00 am IST)